News of Thursday, 1st October 2026
અમદાવાદમાં મચ્છરજન્ય તેમજ વાયરલ બીમારીઓએ માથું ઊંચક્યું
શહેરની બે મુખ્ય સરકારી હોસ્પિટલો—અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો

અમદાવાદમાં મચ્છરજન્ય તેમજ વાયરલ બીમારીઓએ માથું ઊંચક્યું છે. અમદાવાદ શહેરની બે મુખ્ય સરકારી હોસ્પિટલો—અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં છેલ્લા 2 મહિનાથી સતત વધારો થઈ રહ્યો હોવાથી આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે વિગતો આપતાં જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 94 કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી આ આંકડો 315 પર પહોંચી ગયો છે. 300થી વધુ દર્દીઓ હાલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ ચૂક્યા છે.
છેલ્લા 1 અઠવાડિયામાં જ સિવિલની OPDમાં 29,000 થી વધુ લોકો સારવાર માટે પહોંચ્યા છે, જ્યારે 2,400 થી વધુ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.
દર્દીને અતિશય ઊંચો તાવ આવવો, શરીરમાં અશક્તિ/નબળાઈ લાગવી અને દવા છતાં તાવ ન ઊતરવો એ ડેન્ગ્યુના મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો દેખાતા જ જાતે દવા લેવાને બદલે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈને લેબોરેટરી ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે.
સોલા સિવિલ હોસ્પિટલના ARMOએ હોસ્પિટલની સ્થિતિ અંગે જણાવ્યું કે, બદલાતા હવામાનને પગલે માત્ર 1 જ સપ્તાહમાં સોલા સિવિલની OPDમાં 15,986 દર્દીઓ નોંધાયા છે. સામાન્ય તાવ, શરદી અને ઉધરસના કેસોમાં પણ ધરખમ વધારો થયો છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
