<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

મહીસાગરના લુણાવાડામાં અચાનક વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા: પેટ્રોલ પમ્પ પર ''નો સ્ટોક' ના બોર્ડ વચ્ચે ઈંધણ માટે જાણે સંગ્રામ છેડાયો

અચાનક પેટ્રોલની અછત સર્જાતા હજારો લોકો ઉમટી પડ્યા:શહેરના બે પેટ્રોલ પંપ પર 'સ્ટોક નથી' ના બોર્ડ લાગ્યા:ઈંધણની તંગીની આશંકાએ લોકોમાં ભારે ફફડાટ :પેટ્રોલ પંપ પર ટ્રાફિક અને ભીડ કાબૂમાં લેવા પોલીસ તૈનાત

રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડામાં અચાનક પેટ્રોલની અછત સર્જાતા વાહનચાલકોમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી હતી. શહેરના મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈંધણ ખૂટી જવાની આશંકાએ લોકો વહેલી સવારથી જ પંપ પર ઉમટી પડ્યા હતા.

પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે શહેરના બે અગ્રણી પેટ્રોલ પંપો પર 'પેટ્રોલ નથી'  તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા. આ સમાચાર વાયુવેગે ફેલાતા અન્ય પંપો પર પણ હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. લાઈનો એટલી લાંબી હતી કે વાહનચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન લોકો વચ્ચે બોલાચાલી અને અફરાતફરીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

  સ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે લુણાવાડા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. વિવિધ પેટ્રોલ પંપ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ભીડને કાબૂમાં લેવા માટે સમજાવટ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, પુરવઠામાં થયેલા અચાનક વિક્ષેપને કારણે આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. જોકે, તંત્ર દ્વારા ઈંધણનો જથ્થો વહેલી તકે પહોંચાડવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલમાં લુણાવાડાની જનતામાં પેટ્રોલની આ કૃત્રિમ કે વાસ્તવિક અછતને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

(10:29 PM IST)