<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

અંકલેશ્વરમા માતા સાથે નાની તકરાર બાદ MSc વિદ્યાર્થીએ નર્મદામાં ઝંપલાવીને આપધાત : મૃતદેહ મળ્યો

પરીક્ષાની તૈયારીને લઈને થયેલી બોલાચાલી બાદ વિદ્યાર્થીએ નર્મદા નદીમાં છલાંગ લગાવી; ફાયર ટીમ અને પોલીસની શોધખોળ બાદ બે દિવસે ગલતેશ્વર નજીકથી મૃતદેહ મળ્યો, પરિવાર શોકમગ્ન

અંકલેશ્વર તા. 30  : અંકલેશ્વરના એક MScના વિદ્યાર્થીએ માતા સાથે થયેલી નાની તકરાર બાદ નર્મદા નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાની કરુણ ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા બે દિવસ સુધી ચાલેલી શોધખોળ બાદ મૃતદેહ ગલતેશ્વર ગામ નજીક સનદરા સાયફન પાસેથી ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના રહેવાસી અને MScમાં અભ્યાસ કરતા યુવકની બે દિવસ પહેલા પરીક્ષાની તૈયારીને લઈને માતા સાથે નાની બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં ઘરેથી નીકળી ગયેલો યુવક સીધો નર્મદા નદીના કિનારે પહોંચ્યો હતો. ત્યાંથી તેણે પરિવારજનોને મેસેજ કર્યો હતો કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. પરિવારજનોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. 

 

ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નદી કિનારે યુવકનું મોપેડ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડે બોટની મદદથી નદીમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ રાત પડી જતાં અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરી રોકવી પડી હતી. સતત બે દિવસની શોધખોળ બાદ આજે યુવકનો મૃતદેહ ગલતેશ્વર નજીક સનદરા સાયફન પાસેથી મળી આવ્યો હતો. પાણીના તેજ પ્રવાહને કારણે મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં હતો.

 

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવક ભણવામાં હોંશિયાર હતો અને તાજેતરમાં પરીક્ષાને લઈને માનસિક તણાવમાં હતો. આ કરુણ ઘટનાથી પરિવારજનો આઘાતમાં છે. પોલીસે યુવાનો અને વિદ્યાર્થીઓને માનસિક તણાવના સમયે પરિવાર કે મિત્રો સાથે વાત કરવા અને જરૂર પડ્યે કાઉન્સેલિંગની મદદ લેવા અપીલ કરી છે.

(4:50 PM IST)