<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અમદાવાદમાં અનરાધાર વરસાદને લઈને મનપા તંત્ર એલર્ટ મોડમાં :શહેરમાં વોટર લોગિંગ પોઇન્ટ જાહેર

ગોતા, બોડકદેવ અને ઘાટલોડિયા જેવા પોશ વિસ્તારોને સૌથી વધુ સંવેદનશીલ જાહેર: તંત્ર દ્વારા આ તમામ સ્થળો પર ડિંવૉટરિંગ પંપ અને અન્ય સાધનો સાથે ટીમો ગોઠવી દેવાઈ

અમદાવાદ:શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસી રહેલા મૂશળધાર વરસાદને પગલે નાગરિકોને અસુવિધા ન થાય અને ટ્રાફિક વ્યવ્થા ન ખોરવાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. તંત્ર દ્વારા શહેરમાં સંભવિત પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને કુલ 43 વોટર લોગિંગ પોઇન્ટ્સ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

AMC દ્વારા જાહેર કરવામાં આવેલી આ સંવેદનશીલ વિસ્તારોની યાદી મુજબ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા, બોડકદેવ અને ઘાટલોડિયા જેવા પોશ વિસ્તારોને સૌથી વધુ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા અગાઉ પણ નજરે પડી ચૂકી છે, જેથી તંત્ર દ્વારા અહીં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે. સરદારનગર ,નરોડા , સૈજપુર અને બાપુનગર જેવા વિસ્તારોમાં પાણી ભરાતા હોવાની પુષ્ટિ કરાઈ છે. બીજી તરફ જોધપુર, વેજલપુર અને મકતમપુરા તેમજ મધ્ય પશ્ચિમના પાલડી વિસ્તારમાં આવેલું પ્રખ્યાત મંગલતીર્થ કોમ્પ્લેક્સ પણ વોટર લોગિંગ પોઇન્ટ તરીકે સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ તમામ સ્થળો પર ડિંવૉટરિંગ પંપ અને અન્ય સાધનો સાથે ટીમો ગોઠવી દેવામાં આવી છે.

(10:09 PM IST)