તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
સુરતના અલગ-અલગ વિસ્તારોમાં હત્યા, લૂંટ, NDPS અને જુગારના ગુનાઓ નોંધાયા
વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં કેટલાક આરોપીઓ ઝડપાયા તો કેટલાક હજુ વોન્ટેડ જાહેર કરાયા

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હત્યા, લૂંટ, જુગાર, NDPS એક્ટ અને માર્ગ અકસ્માત સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાતા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં કેટલાક આરોપીઓ ઝડપાયા છે તો કેટલાક હજુ વોન્ટેડ જાહેર કરાયા છે.
અલથાણમાં હાથ-પગ બાંધેલી અજાણ્યા યુવકની લાશ મળી
અલથાણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધાયો છે. બમરોલી બ્રિજ નજીક ખાડીના પાણીમાં 20 થી 30 વર્ષના અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. મૃતકના બંને હાથ અને પગ બાંધેલી હાલતમાં હતા. લાશ સ્ટ્રીટ લાઇટના પોલ નજીક અટકેલી જોવા મળી હતી. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે અજાણ્યા શખ્સોએ અન્યત્ર હત્યા કરી મૃતદેહ ખાડીમાં ફેંકી દીધો હતો. હાલ I/C PI સી.કે. નિનામા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
સારોલીમાં અફીણ સાથે ચા લારીવાળો ઝડપાયો
સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસને મળેલી બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ નજીકથી સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ જાટ નામના શખ્સને 93 ગ્રામ અફીણ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે રૂ. 56,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી મૂળ રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અફીણનો જથ્થો સપ્લાય કરનાર છગનલાલ જાટને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
જહાંગીરપુરામાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા
જહાંગીરપુરા પોલીસે સુડા સંસ્કૃતિ આવાસમાં દરોડો પાડી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ, મોબાઇલ ફોન, વાહનો અને ગંજીપાના પત્તા સહિત કુલ રૂ. 2.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ઉત્રાણમાં યુવકોને અપહરણ કરી માર માર્યાનો ગુનો
ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગંભીર મારામારી અને અપહરણનો ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, અજાણ્યા સ્વિફ્ટ કાર ચાલક અને તેના સાગરિતોએ મોબાઇલ ચોરીના આરોપમાં ચાર યુવકોને અટકાવી તેમની સાથે મારામારી કરી હતી. ત્યારબાદ તેમને અલગ જગ્યાએ લઈ જઈ ટ્રેક્ટર સાથે બાંધી લાકડી અને વાયરથી માર મારવામાં આવ્યો હતો. ઘટનામાં અનેક યુવકોને ઇજા પહોંચી છે. પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે.
લસકાણામાં મહિલા પર દુષ્કર્મ અને સોશિયલ મીડિયા પર ધમકીનો આરોપ
લસકાણા પોલીસ સ્ટેશનમાં BNS અને IT એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, વિજય વિષ્ણુ શર્મા નામના આરોપીએ મહિલાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને ફરિયાદ જાહેર કરવાની ધમકી આપી હતી. બાદમાં મહિલાની દીકરી વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટ પણ મૂકી હતી. અન્ય પરિવારજનો સામે પણ હેરાનગતિ અને ધમકીના આક્ષેપો કરવામાં આવ્યા છે. PI એમ.બી. ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.
લસકાણા વિસ્તારમાં બેદરકારીથી કાર હંકારતા અકસ્માત
લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રેટા કાર ચાલકે પુરઝડપે ગાડી હંકારી રોડ સાઇડ પાર્ક કરેલી બે કારને ટક્કર મારી હતી. ઘટનામાં કારોને ભારે નુકસાન થયું હતું. ફરિયાદી રોનક શેખલીયા પોતાની પત્ની સાથે ગોલા ખાવા ગયા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે BNS અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વરાછામાં દુકાનમાંથી રૂ. 22 હજારની ચોરી
વરાછા વિસ્તારમાં બે અજાણ્યા ચોરોએ મધરાતે દુકાનનું શટર ઉંચકીને અંદર પ્રવેશ કર્યો હતો અને કાઉન્ટરના ડ્રોઅરમાંથી રૂ. 22 હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. માતાવાડી ચોકીના PSI એસ.આર. રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
