<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

વડોદરામાં ગોત્રીમાં બંધ મકાનમાંથી યુવકનો કોહવાયેલો અને સાવલીના મુવાલની સીમમાં મહિલાનો વિકૃત મૃતદેહ મળ્યો

સુરજ સુધારકર નાયર એકલવાયું જીવતો હતોઃ મહિલાના મોત અંગે હત્‍યા કે અન્‍ય કારણ અંગે તપાસ

વડોદરાઃ  વડોદરા શહેરના ગોત્રી વિસ્તાર અને જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ ગામમાં મોતની બે અલગ-અલગ ઘટનાઓએ પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. ગોત્રીમાં એકલવાયું જીવન જીવતા યુવકનું બંધ મકાનમાં મોત નીપજ્યું છે, જ્યારે સાવલીમાં એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ તેજ કરી છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ઓમનગર સોસાયટીના મકાન નંબર સી-55 માં રહેતા 30 વર્ષીય સૂરજ સુધાકર નાયરનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સૂરજ નંદેસરીની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને અહીં એકલો જ રહેતો હતો. છેલ્લા ત્રણ દિવસથી તેના મકાનનો દરવાજો બંધ હોવાથી અને રવિવારે મકાનમાંથી દુર્ગંધ આવતા પડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

ગોત્રી પોલીસે બંધ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારે સૂરજનો ત્રણ દિવસ જૂનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ 'હાર્ટ એટેક' જેવું કારણ મનાઈ રહ્યું છે, પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

બીજી તરફ, સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં રવિવારે એક અજાણી મહિલાનો અત્યંત વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં સનસનાટી મચી ગઈ છે. મૃતદેહ એટલી હદે વિકૃત થઈ ગયો હતો.જેની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. મૃતદેહની ગંભીર સ્થિતિ જોતા પોલીસે એફ.એસ.એલ. (FSL) ટીમની મદદ લીધી છે. આ મહિલાની હત્યા કરવામાં આવી છે કે અન્ય કોઈ કારણસર મોત થયું છે, તે જાણવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પોલીસે મૃતકના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે.

બંને કિસ્સાઓમાં વડોદરા શહેર અને જિલ્લા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક તરફ એકલવાયા જીવનનો કરુણ અંત આવ્યો છે, તો બીજી તરફ અજાણી મહિલાના રહસ્યમય મોતથી પોલીસે ગુનાહિત એંગલથી તપાસ હાથ ધરી છે.

(1:32 PM IST)