તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
"મારું ગામ ,મારું ગૌરવની ભાવના સાથે વેરો ભરો, વિકાસમાં સહભાગી બનો'' ગાંધીનગરના બિલેશ્વરપુરામાં આર્થિક સંકડામણ વચ્ચે પણ ૧૦૦% વેરો ભરનારા પરિવારોનું DDO દિગંત બ્રહ્મભટ્ટ હસ્તે વિશેષ બહુમાન
આર્થિક તંગી છતાં નાગરિક ધર્મ બજાવી સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બન્યા જાગૃત ગ્રામજનો:વિપરીત પરિસ્થિતિમાં પણ નિષ્ઠા દાખવનાર પરિવારો સમાજ માટે પ્રેરણાસ્રોત: DDO: ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને સમયસર વેરો ભરી ‘મારું ગામ, મારું ગૌરવ’ મંત્રને સાર્થક કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગંત બ્રહ્મભટ્ટની અપીલ

ગાંધીનગર જિલ્લાની બિલેશ્વરપુરા ગ્રામ પંચાયતે આ દિશામાં એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આર્થિક સંકડામણ અને મર્યાદિત સાધનો હોવા છતાં, ગામના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારોએ પોતાની નૈતિક ફરજ સમજીને ચાલુ તેમજ પાછલા વર્ષોનો તમામ વેરો ૧૦૦% ભરીને જાગરૂકતાની નવી મિસાલ કાયમ કરી છે.
બિલેશ્વરપુરા ગ્રામ પંચાયત ખાતે આયોજિત એક પ્રેરણાદાયી કાર્યક્રમમાં ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટના હસ્તે સમયસર વેરો ભરનારા જાગૃત ગ્રામજનોનું વિશેષ સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ ગામના વિકાસમાં સતત સહયોગ આપવા બદલ જાગૃત નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, "વિપરીત પરિસ્થિતિઓમાં પણ ગામના વિકાસ માટે આગળ આવી સમયસર વેરો ભરનાર આ પરિવારો સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્રોત છે. સમયસર વેરો ભરીને પોતાની નાગરિક ફરજ બજાવનાર તમામ ગ્રામજનો અભિનંદનને પાત્ર છે, કારણ કે નાગરિકોનો આ સહયોગ જ ગામમાં ઉત્તમ સુવિધાઓ ઊભી કરવાનું વહીવટી તંત્રનું બળ બને છે."
આ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જાગૃત ગ્રામજનોમાં ઠાકોર ચંદુજી ગોપાલજી ,રાવળ બલાભાઇ રણછોડભાઈ, ઠાકોર ચતુરજી મથુરજીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમયસર વેરો ભરવાના મુખ્ય ફાયદાઓ:
* ગામની પાયાની સુવિધાઓમાં વધારો: નાગરિકો દ્વારા ભરાતો વેરો ગામમાં રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઈટ અને સ્વચ્છતા જેવી સેવાઓ વધુ સુદ્રઢ બનાવવામાં વપરાય છે.
* આત્મનિર્ભર ગ્રામ પંચાયત: નિયમિત વેરાની આવકથી ગ્રામ પંચાયત નાણાકીય રીતે આત્મનિર્ભર બનીને વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરી શકે છે.
* ગૌરવ અને પ્રોત્સાહન: જાગૃત નાગરિક તરીકે સમયસર વેરો ભરવાથી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે અને વહીવટી તંત્ર દ્વારા પણ બહુમાન મળે છે.
"આપણું ગામ, આપણું ગૌરવ" માત્ર એક સૂત્ર નથી પરંતુ દરેક નાગરિકની કર્તવ્યભાવના છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે બિલેશ્વરપુરાના આ જાગૃત ગ્રામજનોમાંથી પ્રેરણા લઈ, સમયસર પોતાનો પંચાયત વેરો ભરીએ અને પોતાના ગામને પ્રગતિના પંથે આગળ લઈ જવામાં ભાગીદાર બનીએ
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
