તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાંથી સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ઉકેલાયો ભેદ, પાલઘરથી આરોપી સકંજામાં
પારડી પોલીસની સતર્કતા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો; પોક્સો અને BNS હેઠળ ગુનો દાખલ કરાયો

વલસાડ તા.૩૧ : વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં પારડી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, પારડી વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને ટ્રેન મારફતે મહારાષ્ટ્ર તરફ ભાગી ગયો હતો. ભોગ બનનાર પરિવારે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ, એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન આરોપી પાલઘરમાં હોવાની બાતમી મળતા પોલીસ ટીમે ત્યાં જઈને તેને દબોચી લીધો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી વલસાડ લાવીને તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
