<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

નડિયાદ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી: ટ્રેનમાંથી ઉતરતી વખતે ટ્રેન ચાલુ થતા મહિલાનો પગ લપસતાં દરવાજા પર લટકી

ફરજ પરના GRP PSI બી.પી. મકવાણાએ સમયસૂચકતા વાપરી મહિલાને સુરક્ષિત બચાવી :સદનસીબે મહિલાને કોઈ ઈજા થઈ નહોતી.

નડિયાદ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી હતી. ટ્રેનમાંથી ઉતરતી વખતે એક મહિલા મુસાફરનો પગ લપસતાં તે ટ્રેનના દરવાજા પર લટકી ગઈ હતી. આ દરમિયાન ફરજ પર હાજર GRP PSI બી.પી. મકવાણાએ અસાધારણ સમયસૂચકતા અને હિંમત બતાવી મહિલાનો જીવ બચાવ્યો હતો. તેમની સતર્કતાને કારણે મહિલા મુસાફરનો આબાદ બચાવ થયો હતો અને રેલવે સ્ટેશન પર સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.

 

મળતી માહિતી મુજબ, નડિયાદ રેલવે સ્ટેશન પર ત્રણ મહિલા મુસાફરો ભૂલથી બીજી ટ્રેનમાં સવાર થઈ ગઈ હતી. પોતાની ભૂલની જાણ થતાં ત્રણેય મહિલાઓ ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન બે મહિલાઓ સુરક્ષિત રીતે ટ્રેનમાંથી નીચે ઉતરી ગઈ હતી. જોકે, ત્રીજી મહિલા માટે પરિસ્થિતિ ગંભીર બની હતી.

 

 

ત્રીજી મહિલા ટ્રેનમાંથી નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. આ દરમિયાન મહિલાનો પગ લપસતાં તે ટ્રેનના દરવાજા પાસે લટકી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે પ્લેટફોર્મ પર હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલા ટ્રેન સાથે ઘસડાઈ જાય અથવા ગંભીર દુર્ઘટનાનો ભોગ બને તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

 

 

આ સમયે ફરજ પર હાજર GRP PSI બી.પી. મકવાણાની નજર સમગ્ર ઘટના પર પડી હતી. તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોતાની સમયસૂચકતા અને હિંમતનો પરિચય આપતાં તેમણે ટ્રેનના દરવાજા પર લટકેલી મહિલાને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ તરફ ખેંચી લીધી હતી. તેમની આ ત્વરિત કામગીરીના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.

 

સદનસીબે આ ઘટનામાં મહિલા મુસાફરને કોઈ ઈજા થઈ નહોતી અને તેનો આબાદ બચાવ થયો હતો. નડિયાદ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા GRP PSI બી.પી. મકવાણાની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. એક ક્ષણની પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકતી હતી, ત્યારે પોલીસ અધિકારીએ પોતાની ફરજ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

(8:45 PM IST)