<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

નર્મદા કલેક્ટરનો જન સુવિધા મામલે નવતર અભિગમ

રાજપીપળા-દેડિયાપાડા રોડ પર નિર્માણાધીન બ્રિજની કલેક્ટરે સ્થળ મુલાકાત લીધી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લા વહીવટીતંત્ર સતત પ્રજાલક્ષી સેવા સુવિધા માટે સક્રિય છે . ત્યારે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો પ્રજાલક્ષી અભિગમ અને વિકાસકાર્યોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવાની કાર્યશૈલી આજે વધુ એક વખત જોવા મળી, જ્યારે તેમણે રાજપીપળા-દેડિયાપાડાને જોડતા અતિમહત્વના માર્ગ પર મોવી ગામ પાસે નિર્માણાધીન બ્રિજની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ ખૂંટાઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગત સપ્તાહે થયેલા ભારે વરસાદના કારણે રાજપીપળા-દેડિયાપાડા માર્ગ પર મોવી નજીક નદી પર નિર્માણાધીન નવા બ્રિજના ડાયવર્ઝનને નુકસાન થતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માર્ગ દેડિયાપાડા-સાગબારા-ચીકદા તાલુકાના હજારો નાગરિકો માટે જિલ્લા મથક સુધી પહોંચવાનો મુખ્ય સંપર્ક માર્ગ હોવાથી કલેક્ટરે સ્થળ પર જઈ કામગીરીની પ્રગતિની જાતે સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર એસ. એચ. મોદી તેમજ બ્રિજનું નિર્માણ કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓએ કલેક્ટરને બાકી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. આ સમયે દેડિયાપાડાના પ્રાંત અધિકારી જૂહી પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર ગંગા સિંઘએ સ્પષ્ટપણે જણાવ્યું કે, નાગરિકોની સુવિધા અને સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે બ્રિજનું બાકી રહેલું કામ ગુણવત્તા સાથે અને ઝડપી ગતિએ પૂર્ણ કરી વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવા સૂચના આપી હતી. કારણ કે, આ માર્ગ માત્ર વાહનવ્યવહારનો માર્ગ નથી, પરંતુ દેડિયાપાડા વિસ્તારના લોકો માટે આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને સરકારી સેવાઓ સુધી પહોંચવાનો મહત્વપૂર્ણ સંપર્ક સેતુ છે.
કલેક્ટરે નવા બ્રિજના બંને છેડે જરૂરી સાઇનેજ, સુરક્ષા સૂચનાઓ અને માર્ગદર્શક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી, જેથી વાહનચાલકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને માર્ગ સુરક્ષા જળવાઈ રહે.
સ્થળ નિરીક્ષણ બાદ પરત રાજપીપળા ફરતી વખતે કલેક્ટર ગંગાસિંઘે ખૂંટાઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ તબીબી સેવાઓ, દવાઓનો જથ્થો, દર્દીઓને આપવામાં આવતી સારવાર, સ્વચ્છતા અને આરોગ્ય કર્મચારીઓની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
આ દરમિયાન કલેક્ટરે તબીબ અને નર્સિંગ સ્ટાફ સાથે ચર્ચા કરી સ્થાનિક નાગરિકો આરોગ્ય કેન્દ્રની સેવાઓનો પૂરતો લાભ લઈ રહ્યા છે કે કેમ તેની માહિતી મેળવી હતી. તેમણે દવાઓની ઉપલબ્ધતા અંગે સંતોષ વ્યક્ત કરતાં તમામ આવશ્યક દવાઓનો પૂરતો જથ્થો જાળવી રાખવા સૂચના આપી હતી.
વધુમાં તેમણે આરોગ્ય કર્મચારીઓને નાગરિકો સુધી પહોંચીને સરકારની આરોગ્ય યોજનાઓનો વ્યાપ વધારવા, વધુમાં વધુ લોકોને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ મળે તે માટે સંવેદનશીલતા સાથે કામગીરી કરવા તેમજ આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત સેવાઓ જાળવી રાખવા ભારપૂર્વક સૂચના આપી હતી.

(12:32 AM IST)