News of Tuesday, 21st April 2026
નર્મદા - લોકશાહીનો સાચો પ્રહરી: કચરો વીણી ગુજરાન ચલાવતા શ્રમિકનો અનોખો પ્રચાર
કચરો વીણી ગુજરાન ચલાવતા શ્રમિકે રજૂ કરી અનોખી દેશભક્તિ, લોકશાહીના પર્વમાં બન્યા સહભાગી:પક્ષપાત વગર લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી શ્રમિક કરી રહ્યો છે મતદાન જાગૃતિનો પ્રચાર:કોઈપણ પક્ષ જીતે, પણ મતદાન અચૂક કરો"

(ભરત શાહ દ્વારા )નર્મદા:લોકશાહીના સૌથી મોટા ઉત્સવ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ વાગી ગયો છે. નર્મદા જિલ્લામાં અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ઉમેદવારો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે નર્મદામાં એક એવો વ્યક્તિ ચર્ચાનો વિષય બન્યો છે, જે કોઈ પક્ષનો કાર્યકર નથી, છતાં લોકશાહીનો સાચો સંદેશ ફેલાવી રહ્યો છે.
નર્મદા જિલ્લાના રસ્તાઓ પર અત્યારે એક અનોખી સાયકલ લારી આકર્ષણનું કેન્દ્ર બની છે. વ્યવસાયે કચરો વીણવાનું કામ કરતા આ વ્યક્તિ આખો દિવસ ગામ અને તાલુકાના કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક અને લોખંડ શોધી પોતાનું જીવન ગુજારે છે. પણ અત્યારે તેમની લારી પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લહેરાઈ રહ્યા છે, તો કોંગ્રેસનો ઝંડો પણ તેમણે સાથે રાખ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે "તમે કઈ પાર્ટીમાં છો?" ત્યારે તેમનો જવાબ કોઈપણ રાજકીય પક્ષ કરતા પણ વધુ ગહન હતો. તેમણે કહ્યું કે, તેમને કોઈ પક્ષ સાથે અંગત લેવાદેવા નથી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય છે વધુ માં વધુ મહત્તમ મતદાન. "મારે તો ચાર દીકરા છે, કચરો વીણીને ગુજરાન ચલાવું છું. મને કોઈ પાર્ટી પૈસા નથી આપતી, પણ હું ઈચ્છું છું કે લોકો જાગૃત બને. જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે તે જીતવી જોઈએ. હું આ ઝંડા એટલે લગાવું છું કે લોકો મને જોઈને યાદ કરે કે ચૂંટણી છે અને આપણે વોટ આપવા જવાનું છે."
ખરેખર, આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. જે વ્યક્તિ પાસે રહેવા માટે પાકું મકાન કે વૈભવી ગાડી નથી, જેનો આખો દિવસ ગંદકી વચ્ચે વીતે છે, તે વ્યક્તિ જો લોકશાહી પ્રત્યે આટલી જાગૃતિ બતાવી શકતી હોય, તો એરકન્ડિશન રૂમમાં બેસતા સામાન્ય નાગરિકોએ શું ન વિચારવું જોઈએ? નર્મદા જિલ્લામાં આ વખતે ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે કાંટાની ટક્કર છે. પણ જીત ગમે તેની થાય, આ કચરો વીણતા શ્રમિકે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં સૌથી મોટો 'રાજા' તો મતદાર પોતે જ છે. હવે જોવાનું એ રહે છે કે નર્મદાની જનતા કોને સત્તા સોંપે છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
