<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

નાસિરનગર ડિમોલિશન: 'હાઈકોર્ટની ફટકાર બાદ હોલ તો આપ્યો, પણ સુવિધાઓના નામે મીંડું!', સુરતમાં વિસ્થાપિતોની વેદના યથાવત, પ્રાથમિક જરૂરિયાતો માટે વલખાં

૨૮ દિવસ ખુલ્લા આકાશ નીચે રહ્યા બાદ મળેલા કોમ્યુનિટી હોલમાં પીવાના પાણી કે શૌચાલયની વ્યવસ્થા નથી: 'અમને હોલ નહીં, ઘરના બદલામાં ઘર આપો'ની ઉઠતી માંગ

સુરત,: સુરતના નાસિરનગરમાં તાજેતરમાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલા ડિમોલિશન બાદ વિસ્થાપિત થયેલા પરિવારોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ અને ફટકાર બાદ સુરત મહાનગરપાલિકા (SMC) એ અસરગ્રસ્તોને હંગામી ધોરણે રહેવા માટે ભરીમાતા રોડ પર આવેલો કોમ્યુનિટી હોલ તો ફાળવી દીધો છે, પરંતુ ત્યાં પાયાની સુવિધાઓનો ઘોર અભાવ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. બેઘર બનેલા પરિવારો હવે અહીં નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે.
માહિતી અનુસાર, ગત ૩૦ મેના રોજ સુરત કોર્પોરેશન અને પોલીસના કાફલાએ નાસિરનગરમાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી કરીને અનેક પરિવારોના આશિયાના છીનવી લીધા હતા. આ કાર્યવાહી બાદ લગભગ ૨૮ દિવસ સુધી આ પરિવારો ખુલ્લા આકાશ નીચે, કાળઝાળ ગરમી અને વરસાદી માહોલ વચ્ચે રહેવા મજબૂર બન્યા હતા. આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા, કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવીને પાલિકાને આદેશ આપ્યો હતો કે અસરગ્રસ્તો માટે તાકીદે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
ટૉઈલેટમાં નળ નથી, પીવાના પાણી માટે વલખાં
કોમ્યુનિટી હોલમાં આશરો લેવા આવેલા સ્થાનિક વિસ્થાપિત સાબિરભાઈએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, "ડિમોલિશનના આટલા દિવસો પછી મનપાએ અમને આ હોલ આપ્યો છે, પરંતુ અહીં ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય છે. શૌચાલયમાં નળ સુધી નથી અને સવારથી અહીં આવ્યા હોવા છતાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અમને અહીં પશુઓની જેમ છોડી દેવાયા છે, કોઈ વહીવટી અધિકારી અમારી સ્થિતિ જોવા પણ ડોકાયું નથી."
"ખુલ્લા આકાશ નીચે NGO જમાડતી હતી, અહીં કોઈ પૂછવા વાળું નથી"
અન્ય એક પીડિત મહિલા ફાતિમા બીબીએ રડતી આંખે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, "જ્યારે અમે નાસિરનગરમાં ખુલ્લામાં રહેતા હતા, ત્યારે સામાજિક સંસ્થાઓ (NGO) અને સેવાભાવી લોકો અમને સવારે નાસ્તો અને જમવાનું આપી જતા હતા. કોર્પોરેશને અમને અહીં લાવીને પટકી દીધા છે, જ્યાં જમવાનું તો ઠીક, પીવાનું પાણી પણ નથી મળતું. અમારી મનપા સામે એક જ માંગ છે કે અમને આવા સરકારી હોલના ધક્કા ખવડાવવાના બદલે ઘરના બદલામાં કાયમી ઘર (આવાસ) ફાળવવામાં આવે."
હાલમાં આ વિસ્તારમાં તીવ્ર અસંતોષ ફેલાયેલો છે. હાઈકોર્ટના આદેશનું કાગળ પર પાલન બતાવીને સંતોષ માનતું તંત્ર વાસ્તવિક ધરાતલ પર વિસ્થાપિતોને માનવીય સુવિધાઓ પુરી પાડવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું હોય તેમ લાગી રહ્યું છે.

(7:39 PM IST)