તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Saturday, 24th October 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2026ની ઉજવણી માટે 8 હજારથી વધુ કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિની તૈયારીઓ પૂરજોશમાં
વંદે માતરમ્ થીમ પર 31 ઓક્ટોબરે એકતા નગરમાં 12 મિનિટની ભવ્ય પ્રસ્તુતિ, ગુજરાતના 3 હજાર સહિત દેશભરના કલાકારો ધાબા ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસમાં વ્યસ્ત : ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, રાષ્ટ્રીય ગૌરવ અને ‘વિવિધતામાં એકતા’ના ભાવને જીવંત કરશે

રાજપીપળા તા.24 : સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે આગામી 31 ઓક્ટોબરના રોજ એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ રાષ્ટ્રીય ઉજવણીને યાદગાર બનાવવા માટે વિવિધ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ ઉજવણીના ભાગરૂપે દેશભરમાંથી આવેલા 8 હજારથી વધુ કલાકારો ‘વંદે માતરમ્’ની થીમ પર આધારિત વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, રાષ્ટ્રીય ગૌરવ અને ‘વિવિધતામાં એકતા’ના ભાવને જીવંત કરશે.
રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ- સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની સઘન પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. કલાકારોના તાલમેલ, સામૂહિક પ્રસ્તુતિ અને કાર્યક્રમની ભવ્યતા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના 3 હજારથી વધુ કલાકારો સહિત દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા 8 હજાર કલાકારો સહભાગી બનશે. ગુજરાતમાં વસતા દેશના અન્ય રાજ્યોના કલાકારો પણ આ સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં જોડાઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ વ્યાપક બનાવશે.
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર યોગેશ બી. નિરગુડેએ જણાવ્યું હતું કે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમમાં લગભગ સાત ગણા વધુ કલાકારો સહભાગી થવા જઈ રહ્યા છે. ગુજરાત સરકાર, ભારત સરકારની સંગીત નાટક અકાદમી અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ્’ની થીમ પર આધારિત આ પ્રસ્તુતિમાં ભારતની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને કલાઓના સમન્વય સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ રજૂ કરવામાં આવશે. અંદાજે 12 મિનિટની આ સામૂહિક પ્રસ્તુતિ રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહેશે. દેશના વિવિધ પ્રાંતના કલાકારોની એકસાથે થનારી આ સાંસ્કૃતિક પ્રસ્તુતિ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરશે.
ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રેક્ટિસ કરી રહેલા હજારો કલાકારોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે મેડિકલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેડિકલ યુનિટની મુલાકાત દરમિયાન કમિશનર યોગેશ નિરગુડેએ આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી હતી.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
