News of Friday, 1st May 2026
ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પ માટે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા: VGRC સુરતમાં યોજાયેલી પેનલ ચર્ચામાં ટકાઉ ખેતી અને ટેક્નોલોજી આધારિત ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત
આશરે 100થી વધુ પ્રતિભાગીઓની હાજરીમાં યોજાયેલ આ સત્રમાં દેશના ખાતર ઉદ્યોગ, કૃષિ ક્ષેત્ર અને નીતિનિર્ધારણ સાથે જોડાયેલા અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું

સુરત:ગુજરાત સરકારના એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સંયુક્ત ઉપક્રમે આજે સુરતની ઑરો યુનિવર્સિટીમાં “ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પ દ્વારા આત્મનિર્ભરતા હાંસલ કરવાની વ્યૂહરચના” વિષયક મહત્વપૂર્ણ પેનલ ચર્ચા અને સેમિનાર યોજાયો હતો. આશરે 100થી વધુ પ્રતિભાગીઓની હાજરીમાં યોજાયેલ આ સત્રમાં દેશના ખાતર ઉદ્યોગ, કૃષિ ક્ષેત્ર અને નીતિનિર્ધારણ સાથે જોડાયેલા અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભારતના ખાતર ક્ષેત્ર સામે રહેલા આયાત આધારિત પડકારો, સ્થાનિક ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ, ટેક્નોલોજી આધારિત નવીનતા અને ટકાઉ ખેતી માટે જરૂરી નીતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વના સૌથી મોટા ખાતર વપરાશકર્તા દેશોમાંનું એક છે, છતાં પોટાશ, ફોસ્ફેટિક કાચામાલ તથા અન્ય જરૂરી ઘટકો માટે હજુ પણ આયાત પર નોંધપાત્ર નિર્ભરતા છે.
ચર્ચામાં દેશને ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે યુરિયા, ડીએપી અને કોમ્પ્લેક્સ ખાતરના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. સાથે જ નાનો યુરિયા, ઓર્ગેનિક ખાતર અને બાયો ફર્ટિલાઇઝર્સ જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપવાથી આયાત ખર્ચ ઘટાડવામાં મદદ મળશે તેવી માન્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના મહાનિદેશક ડૉ. સુરેશકુમાર ચૌધરી, ઇફ્કોના ડિરેક્ટર યોગેન્દ્રકુમાર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા, એસ એન્ડ પી ગ્લોબલ એનર્જીના પ્રતિનિધિ વિપુલ ગર્ગ સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
વક્તાઓએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ઊભી થતી ભૂરાજકીય પરિસ્થિતિઓ, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને વધતા ભાવને ધ્યાનમાં રાખતાં ભારત માટે ખાતર ક્ષેત્રે સ્વાવલંબન સમયની માંગ બની ગયું છે. સરકાર, ઉદ્યોગ અને સંશોધન સંસ્થાઓના સંકલિત પ્રયાસોથી ખેડૂતોને સસ્તું ખાતર ઉપલબ્ધ કરાવી શકાય તેમજ કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવી શકાય છે.
આ સેમિનાર ભારતના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
