તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
‘રાષ્ટ્રીય એકતા દિવસ – ૨૦૨૬’: ગાંધીનગર સચિવાલય ખાતેથી ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું પ્રસ્થાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર માટે ફ્લેગ ઓફ કરાવી:‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ના સંદેશ સાથે દેશભરમાંથી આવેલી વિવિધ ટીમો આજે કેવડિયા પહોંચશે: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક: લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને CAPFના બાઇકર્સ સહભાગી

ગાંધીનગર : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આગામી ૩૧મી ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ’ના ઉપલક્ષ્યમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ થીમ હેઠળ આયોજિત ભવ્ય ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને આજે ગાંધીનગર સચિવાલય સંકુલ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. સુરક્ષા દળોના પ્રચંડ ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી રેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર (કેવડિયા) તરફ રવાના કરાવી હતી.
આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રેલી અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, “આ મોટરસાઇકલ રેલીમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની ટીમો સહભાગી થઈ છે. દરેક રાજ્યમાંથી ૫-૫ બાઇકર્સ આ રેલીમાં જોડાયા છે, જેમાં લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યો તેમજ CAPFના જવાનોનો સમાવેશ થાય છે. આ રેલીમાં દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની કુલ ૪૫ ટીમો અને ૫૫૦થી વધુ જવાનો/અધિકારીઓ ૪ અલગ-અલગ ઝોન મારફતે ૨૭૫થી વધુ બાઇક સાથે ભાગ લઈ રહ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજે ગાંધીનગર ખાતેથી ફ્લેગ ઓફ થયા બાદ આ ટીમો આગળ વધીને કેવડિયા પહોંચશે. રેલીના સમગ્ર માર્ગ દરમિયાન અલગ-અલગ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો અને શપથ ગ્રહણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોને ખાસ કરીને યુવા પેઢીને નશાના દૂષણથી દૂર રહેવા પ્રેરિત કરી શકાય. તમામ બાઇકર્સ કેવડિયા પહોંચશે અને ૩૧મી ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ગૌરવપૂર્વક ભાગ લેશે.”
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા તા. ૨૧મી ઓક્ટોબરે નવી દિલ્હીથી નોર્થ ઝોનની આ રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું, જે હરિયાણા અને રાજસ્થાન થઈને ગાંધીનગર આવી પહોંચી હતી. ગાંધીનગરથી પ્રસ્થાન કર્યા બાદ આ રેલી આણંદ અને વડોદરા થઈને નિર્ધારિત મુકામ એકતા નગર પહોંચશે.
"Say No to Drugs, Say Yes to Life"ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં જવાનો ઉપસ્થિત રહ્યા હતા
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
