<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ગૌહત્યા પર દેશવ્યાપી પ્રતિબંધ,ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો, ગૌસેવા માટે અલગ મંત્રાલય-કાયદો, ગૌ સન્માન આહ્વાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ૧.૧૧ કરોડ હસ્તાક્ષરનું સ્મરણપત્ર અપૅણ

અભિયાનના તૃતીય ચરણ અંતર્ગત અડાલજમાં મહાસંમેલનમા અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત જગતગુરુ દિલીપદેવાચાર્યજી,હરિદ્વારના સંત અમૃતાનંદજી સહિત ૩૦૦થી વધુ સંતો સહિત ૧ લાખથી વધુ ગૌભક્તો ઉમટ્યા

ગાંધીનગર, તા. ૨૭  : ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા, દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને ગૌસેવા માટે અલગ મંત્રાલય તથા કાયદો બનાવવાની માગ સાથે ગૌ સન્માન આહ્વાન અભિયાનના તૃતીય ચરણ અંતર્ગત અડાલજ ખાતે વિશાળ મહાસંમેલન યોજાયું હતું.

      જેમાં ૧ લાખથી વધુ સંતો, મહંતો અને ગૌભક્તો જોડાયા હતા, આ મહાસંમેલનમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત જગતગુરુ દિલીપદેવાચાર્યજી અને હરિદ્વારના સંત અમૃતાનંદજી સહિત ૩૦૦થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, આયોજકોના દાવા મુજબ સમગ્ર દેશમાંથી એકત્ર કરાયેલા ૧ કરોડ ૧૧ લાખ હસ્તાક્ષર ધરાવતું સ્મરણપત્ર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરીને ગૌવંશના સંરક્ષણ માટે નક્કર કાયદો બનાવવાની માગ કરવામાં આવી હતી.            સંતોએ જણાવ્યું હતું કે ગૌમાતાનું સંરક્ષણ, સંવર્ધન અને સન્માન માત્ર ધાર્મિક આસ્થાનો વિષય નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક ચેતના સાથે જોડાયેલો વિષય છે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સુરતથી ૧૦૦થી વધુ બસો તથા સેંકડો ખાનગી વાહનો મારફતે હજારો ગૌભક્તો ગાંધીનગર પહોંચ્યા હતા.

         સુરતમાં જ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગના સમર્થનમાં ૧૫ લાખ લોકોના હસ્તાક્ષર એકત્ર કરાયા હતા, આ અભિયાનને જન-જન સુધી પહોંચાડવામાં રામજી મંદિરના અખિલેશ્વરાનંદ બાપુ, લંકા વિજય હનુમાન મંદિરના સીતારામ દાસ બાપુ સહિત અનેક ગૌભક્તોની અગ્રણી ભૂમિકા રહી હતી, આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યોમાં પણ આ અભિયાન અલગ-અલગ નિર્ધારિત તિથિઓ પર ચલાવવામાં આવશે.

(3:24 PM IST)