તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 1st August 2026
માય ભારત દ્વારા દેશવ્યાપી ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાલે વર્ચ્યુઅલ માધ્યમથી દેશના કરોડો યુવાનોને કરશે સંબોધન : ગુજરાતનો રાજ્યકક્ષાનુ આયોજન ગાંધીનગર NFSU ખાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે ખાસ ઉપસ્થિત રહેશે : નશામુક્તિ માટે જાગૃતિ લાવવા ડાન્સ, મ્યુઝિક, ડ્રોઈંગ સહિત 8 સ્પર્ધાઓનું આયોજન, 100 અઠવાડિયાના ‘રવિવાર જનસહભાગિતા અભિયાન’નો પણ થશે પ્રારંભ :માય ભારત ગુજરાતના રાજ્ય નિર્દેશક સચિન શર્માની પત્રકાર પરિષદ

ગાંધીનગર, તા. 01 : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત - MY Bharat દ્વારા દેશના યુવાનોને નશાના વિરુદ્ધ જાગૃત કરવા માટે દેશવ્યાપી સ્તરે 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે તા. 02 ઓગસ્ટ, 2026 ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશભરના યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે અને નશામુક્તિનો સંકલ્પ લેવડાવશે. આ અંગેની તમામ વિગતો માય ભારત ગુજરાતના રાજ્ય નિર્દેશક સચિન શર્મા દ્વારા પ્રેસ સંબોધનમાં આપવામાં આવી હતી.
સચિન શર્માએ જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં આ અભિયાનનો મુખ્ય કાર્યક્રમ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે સવારે 10:30 કલાકે યોજાશે. આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત યુવા સહભાગીઓ સાથે સીધો સંવાદ કરશે અને તેમને માર્ગદર્શન આપશે.
આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, માય ભારતના સ્વયંસેવકો, યુવા મંડળોના સભ્યો તથા અન્ય યુવા સંગઠનોના મળીને આશરે 500થી વધુ યુવાનો પ્રત્યક્ષ રીતે ભાગ લેવાના છે.
કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતી આપતા ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર વર્ષા રોઘાએ જણાવ્યું કે યુવાનોમાં નશામુક્તિ પ્રત્યે વ્યાપક જાગૃતિ કેળવવી એ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. આ માટે પરંપરાગત પ્રવચનોની સાથે યુવાનોને આકર્ષવા ડાન્સ, મ્યુઝિક, ડ્રોઈંગ સહિત કુલ આઠ વિવિધ રમતો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી યુવાનો કળા અને સર્જનાત્મકતાના માધ્યમથી આ સામાજિક અભિયાન સાથે જોડાઈ શકે.
આ દેશવ્યાપી કાર્યક્રમ સાથે સમગ્ર ભારતના આશરે 10,000 સ્થળોને જોડવામાં આવશે. પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ સહભાગિતા દ્વારા આ અભિયાનમાં 1 કરોડથી વધુ યુવાનો જોડાશે તેવો અંદાજ છે. કાર્યક્રમ દરમિયાન દેશભરના તમામ યુવાનો સામુહિક રીતે નશામુક્તિના શપથ લેશે.
આ એક દિવસીય કાર્યક્રમ પૂરતું મર્યાદિત ન રહે તે માટે 100 અઠવાડિયાના દેશવ્યાપી 'રવિવાર જનસહભાગિતા અભિયાન' નો પણ પ્રારંભ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દર રવિવારે રમતગમત, ફિટનેસ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, યોગ અને ધ્યાન જેવા કાર્યક્રમોનું આયોજન કરીને યુવાનોને નશાથી દૂર રાખી તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
નોંધનીય છે કે, MY Bharat પોર્ટલ પર 'ઈ-પ્રતિજ્ઞા' અભિયાન પણ પહેલેથી કાર્યરત છે, જ્યાં યુવાનો ઓનલાઈન નશામુક્તિનું વચન આપી શકે છે. ગુજરાતમાં આ સમગ્ર આયોજન MY Bharat, જિલ્લા વહીવટીતંત્ર અને NFSU ના સંયુક્ત સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
તંત્ર દ્વારા રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો અને નાગરિકોને 'વિકસિત ભારત@2047' ના સ્વપ્નને સાકાર કરવા આ મહત્વપૂર્ણ અભિયાનમાં સક્રિયપણે જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
