<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

પ્રાકૃતિક ખેતી એ ધરતી, સ્વાસ્થ્ય અને આવનારી પેઢીના રક્ષણનો સંકલ્પ છે : રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી તરફ વળો, ધરતીને જીવંત બનાવો અને આવનારી પેઢીને ઝેરમુક્ત અન્નનો વારસો આપો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પાટણના ખેડૂતોને રાજ્યપાલશ્રીનો પ્રેરક સંદેશ : પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવી ધરતી માતાના સ્વાસ્થ્યનું જતન કરીએ : રાજ્યપાલશ્રીના હસ્તે APMC પાટણ ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ : પાટણ જિલ્લો પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ બને તેવો સંકલ્પ : કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવા

અમદાવાદ તા.૧૦ : પાટણ સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - APMC ખાતે ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની પ્રેરક અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પાટણ જિલ્લાના વિશાળ ખેડૂત સમુદાય સાથે સીધો સંવાદ સાધી પ્રાકૃતિક ખેતી અંગે પોતાનો અનુભવ, વૈજ્ઞાનિક સમજ અને પ્રયોગાત્મક જ્ઞાનને સહજ, સંવેદનશીલ અને પ્રેરણાત્મક રીતે રજૂ કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી કરવાની પદ્ધતિ નથી, પરંતુ ધરતી, પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને આવનારી પેઢીના રક્ષણ સાથે જોડાયેલો સંકલ્પ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વસ્થ જમીનમાંથી જ સ્વસ્થ અન્ન અને સ્વસ્થ અન્નમાંથી જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે.

પ્રાકૃતિક ખેતી તરફ પોતાના જીવનના વળાંકનો પ્રસંગ વર્ણવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જંતુનાશક દવાઓના છંટકાવને કારણે ખેતમજૂર બેભાન થવાની ઘટનાએ તેમને અંતરથી દ્રવિત કર્યા હતા. વિદ્યાર્થીઓને ઝેરમુક્ત અને પૌષ્ટિક આહાર મળી રહે તે ભાવનાથી તેમણે રાસાયણિક ખેતીનો કાયમી ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે ખેડૂતોને કોઈ અપરાધભાવ રાખ્યા વિના પોતાની જમીન, પરિવાર અને ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્ય અંગે આત્મમંથન કરવા અનુરોધ કર્યો હતો.

ખેડૂતોને વ્યવહારુ માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી તરફ પરિવર્તન માટે એક જ વખત સમગ્ર ખેતરમાં પદ્ધતિ બદલવાની આવશ્યકતા નથી. ખેડૂત શરૂઆતમાં પોતાના ખેતરના માત્ર ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી ત્યાં પોતાના પરિવાર માટે ઝેરમુક્ત અન્નનું ઉત્પાદન કરે અને તેના પરિણામોનો અનુભવ થયા બાદ ધીમે ધીમે સમગ્ર ખેતરને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જાય.

રાસાયણિક ખેતીની વિપરીત અસરો અંગે ચિંતા વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી જમીનની કુદરતી જીવંતતા અને ફળદ્રુપતા પર ગંભીર અસર થઈ રહી છે. યુરિયાના ઉપયોગથી ઉત્પન્ન થતો નાઇટ્રસ ઓક્સાઇડ પર્યાવરણ માટે હાનિકારક છે, જ્યારે રાસાયણિક દવાઓના અતિરેક ઉપયોગથી જમીનમાં રહેલા અળસિયા સહિતના ઉપયોગી સૂક્ષ્મજીવોનો નાશ થાય છે.

કુરુક્ષેત્રના પોતાના ફાર્મના પ્રયોગો તેમજ વિવિધ ગામોના ભૂગર્ભજળના પરીક્ષણના અનુભવો રજૂ કરતાં રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું કે, રાસાયણિક ખેતીના લાંબા ગાળાના ઉપયોગથી જમીન કઠણ અને નિર્જીવ બનતી જાય છે તથા ભૂગર્ભ જળની ગુણવત્તા પર પણ તેની અસર પડે છે. તેમણે માનવ સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં ઝેરી રસાયણોના ખોરાકની સાંકળમાં પ્રવેશથી ગંભીર આરોગ્યલક્ષી પડકારો ઊભા થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

જમીન માત્ર માટી નથી, તે જીવંત વ્યવસ્થા છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ દેશી ગાયના છાણમાં રહેલા કરોડો સૂક્ષ્મ જીવાણુઓની ભૂમિકા સમજાવી હતી. જમીનમાં રહેલા કુદરતી તત્ત્વોને છોડ માટે ઉપયોગી પોષક તત્ત્વોમાં પરિવર્તિત કરવાની આ કુદરતી પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરવી એ પ્રાકૃતિક ખેતીનું મૂળ તત્ત્વ હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે તેવી ગેરસમજ દૂર કરતાં રાજ્યપાલશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અને ખર્ચાળ ઓર્ગેનિક ખેતી અલગ બાબતો છે. સ્થાનિક સંસાધનો, દેશી ગાય આધારિત પદ્ધતિઓના ઉપયોગથી જમીનની જીવંતતા પુનઃસ્થાપિત કરી શકાય છે. તેમણે પોતાના પ્રયોગનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ગુરુકુલના ૧૮૦ એકરના ફાર્મમાં સતત પ્રયોગોથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધીને ૧.૭ થયું છે.

વિશ્વના વિવિધ દેશોના ઉદાહરણો આપતાં રાજ્યપાલશ્રીએ જમીનના સ્વાસ્થ્ય અને માનવ સ્વાસ્થ્ય વચ્ચેના સીધા સંબંધને સમજાવ્યો હતો. તેમણે ડેનમાર્કનું ઉદાહરણ આપતાં જમીનમાં ઓર્ગેનિક કાર્બન જાળવવા અને રાસાયણિક ખાતરોના ઉપયોગને નિયંત્રિત કરવાની દિશામાં થયેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતને ઝેરમુક્ત અને સ્વસ્થ બનાવવાના સંકલ્પ સાથે પ્રાકૃતિક ખેતીને વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ગામડે-ગામડે માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખીઓ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમણે ખેડૂતોને આ અભિયાન સાથે જોડાઈ પ્રાકૃતિક ખેતીને માત્ર પોતાના ખેતર પૂરતી મર્યાદિત ન રાખી સમગ્ર સમાજના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ચળવળ બનાવવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ભાવુક અપીલ કરતાં જણાવ્યું હતું કે, આપણે માત્ર આપણા માટે ખેતી કરતા નથી; આપણે આવનારી પેઢી માટે ખેતી કરીએ છીએ. બાળકોને માત્ર સંપત્તિનો વારસો નહીં, પરંતુ સ્વસ્થ જમીન, શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને ઝેરમુક્ત અન્નનો વારસો આપવાનો છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતીના અતિરેક ઉપયોગ અંગે પુનર્વિચાર કરી જમીન, જળ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું.

જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ સ્વાગત પ્રવચનમાં રાજ્યપાલશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂત ભાઈ-બહેનોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, પાટણ જિલ્લો મહેનતુ અને પ્રગતિશીલ ખેડૂતોની ધરતી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય પર થતી અસરોને નિવારવા આપણી પરંપરાગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અસરકારક ઉકેલ છે.

તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં કૃષિ સખી, સી.આર.પી. અને ખેડૂત મિત્રોને માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરી ગામડે-ગામડે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી રહી છે. હાલમાં ૨૫ હજારથી વધુ ખેડૂતો ૩૫,૫૦૦ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જ્યારે ચાલુ વર્ષે વધુ ૨૦ હજાર ખેડૂતોને લીડિંગ ફાર્મર તરીકે જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પણ પ્રાકૃતિક ખેતીના અભિગમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું જણાવતાં કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, મધ્યાહન ભોજન સંચાલકો અને આચાર્યશ્રીઓને તાલીમ આપી જીવામૃત તથા ઘન જીવામૃતના ઉપયોગથી પ્રાકૃતિક પદ્ધતિના કિચન ગાર્ડન વિકસાવવામાં આવી રહ્યા છે.

તેમણે સૌને સાથે મળીને ધરતી માતાનું સ્વાસ્થ્ય જાળવવા, સ્વસ્થ અન્નનું ઉત્પાદન કરવા અને પાટણ જિલ્લાને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ બનાવવા આહ્વાન કર્યું હતું.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને વેગ આપવા તથા ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોને યોગ્ય બજાર મળી રહે તે હેતુથી APMC ખાતે કાયમી પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું રાજ્યપાલશ્રીના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના વિવિધ સ્ટોલનું રસપૂર્વક અવલોકન કર્યું હતું. ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ પેદાશોની સરાહના કરતાં રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધુ વિસ્તૃત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

પરિસંવાદ દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ વિશાળ ખેડૂત સમુદાયને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ, જમીનની ફળદ્રુપતા જાળવવાની આવશ્યકતા તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી થતી અસરો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શંખેશ્વર તાલુકાના ટુવડ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત  ડી. કે. રાવલ (રથવી) તથા પાટણ તાલુકાના મહિલા ખેડૂત  હસુમતીબેને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી મેળવેલી સફળતા અને પોતાના વ્યવહારુ અનુભવો રજૂ કરી ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને પ્રેરણા પૂરી પાડી હતી.

પરિસંવાદના અંતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તથા ધરતી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના સંરક્ષણમાં સહભાગી બનવાનો દૃઢ સંકલ્પ લેવડાવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામક શ્રી કે. એસ. પટેલે કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. કાર્યક્રમના અંતે રાજ્યપાલશ્રીએ સી.આર.પી ભાઈઓ અને કૃષિ સખીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ભાવિક પટેલ, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન પટેલ,  જિલ્લા વિકાસ અધિકારી  સી. એલ. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.ડી. વણઝારા, APMC ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ, અગ્રણી  રમેશભાઈ સિંઘવ, સંયુક્ત ખેતી નિયામક શ્રી કે. એસ. પટેલ, પ્રાંત અધિકારી  પી. વાય. ગોસ્વામી, જિલ્લા ખેતીવાડી અધિકારી  જે. બી. પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર  એ. આર. ગામી તથા નાયબ બાગાયત નિયામક ડૉ. કે. વાઘેલા સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:47 PM IST)