News of Friday, 17th July 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ એ.એમ.એ ખાતે નવભારત સાહિત્ય મંદિર આયોજીત પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
લેખિકા ડૉ અલ્પા શાહ દ્વારા લિખિત ત્રણ પુસ્તકોનું લોન્ચિંગ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન: જીવન હંસને કા નામ,ટેક ઇટ ઇઝી અને કુલ મિલાકે બુકો લોન્ચ કરાઈ:સાહિત્ય એ સમાજનું દર્પણ છે અને આવા પુસ્તકો લોકોના જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બને છે.:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે જાણીતી લેખિકા ડો. અલ્પાબેન શાહના ત્રણ નવા પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સંવેદનશીલ અને માર્મિક ઉદબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વર્તમાન સમયની ભાગદોડભરી જીવનશૈલીમાં ‘હસતા રહેવાના’ અને ‘તણાવમુક્ત રહેવાના’ મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજે આપણે સૌ ચાદર કરતા પગ લાંબા કરી રહ્યા છીએ, પરિણામે તણાવ અને અનેક પ્રકારની બીમારીઓ આપણા જીવનમાં ઘર કરી ગઈ છે. જીવનમાં આવતી નાની-નાની પરિસ્થિતિઓ કે વિક્ષેપો સામે ક્રોધિત થવાને બદલે તેને ‘ટેક ઈટ ઈઝી’ (Take it easy) ભાવથી જોવાની વૃત્તિ કેળવવી જરૂરી છે.”
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,સાહિત્ય એ સમાજનું દર્પણ છે અને આવા પુસ્તકો લોકોના જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બને છે.”
આજના ડિજિટલ યુગમાં પરિવાર સાથે સંવાદ ઘટતો જતો હોવા અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, “ઘરમાં ચાર સભ્યો બેઠા હોય તો પણ સૌના હાથમાં ફોન હોય છે, પરિણામે એકબીજા સાથે વાતો કરવાનો અવસર ખોવાઈ રહ્યો છે. સાહિત્યના વાંચન અને વાસ્તવિક સંવાદથી જ આપણે આ સંસ્કૃતિને જીવંત રાખી શકીએ છીએ.”
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,શિલ્પકાર જ્યારે પથ્થર પર છીણીના એક પછી એક ઘા કરે છે, ત્યારે જ એ નિર્જીવ પથ્થરમાંથી દિવ્ય ભગવાનની મૂર્તિ પ્રગટ થાય છે. એ જ રીતે જીવનમાં આવતી મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષોને સ્વીકારીને ધૈર્ય, પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધીએ, ત્યારે જ આપણું વ્યક્તિત્વ ઘડાય છે અને આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ."
આ પ્રસંગે પદ્મ કુમારપાળ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ, હાસ્ય લેખક અશોક દવે,નવભારત સાહિત્ય મંદિરના સર્વ મહેન્દ્રભાઈ શાહ,રિયાબેન શાહ,નિરવ શાહ, જૈનિકભાઇ વકીલ,મીથિલેશ ખાંડવાલા, રોનક શાહ સહિત સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
