<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

સરખેજ લબ્બેક પાર્ક ડ્રગ્સ ફેક્ટરી કેસમાં NCBની મોટી કાર્યવાહી : GTUના પીએચડી વિદ્યાર્થી અને કેમિકલ એન્જિનિયરની ધરપકડ

પીએચડી વિદ્યાર્થીએ અગાઉ પકડાયેલા મુખ્ય આરોપી મુદ્દસર પઠાણને ડ્રગ્સ બનાવવાની લેબ ઊભી કરવામાં સક્રિય મદદ કરી હતી :ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા લબ્બેક પાર્ક ડ્રગ્સ ફેક્ટરી પ્રકરણમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ અમરાઈવાડી વિસ્તારમાંથી કેમિકલ એન્જિનિયર અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) માં પીએચડી કરી રહેલા હર્ષિલ પરીખ નામના શખ્સને ઝડપી પાડ્યો છે.

   પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે હર્ષિલે અગાઉ પકડાયેલા મુખ્ય આરોપી મુદ્દસર પઠાણને ડ્રગ્સ બનાવવાની લેબ ઊભી કરવામાં સક્રિય મદદ કરી હતી. ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ અને રો-મટીરિયલની ખરીદી કરવાથી માંડીને કેમિકલ પ્રોસેસિંગ અંગે માર્ગદર્શન પૂરું પાડવા સુધીની મુખ્ય ભૂમિકા હર્ષિલની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. NCB દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે હર્ષિલની સઘન પૂછપરછના આધારે આ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલી વધુ કડીઓ બહાર આવવાની પૂરી શક્યતા છે.

(9:46 PM IST)