News of Sunday, 14th June 2026
પત્ની સાથે અફેરની શંકાએ લીધો પાડોશીનો જીવ, પતિને આજીવન કેદ
પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટના સ્થળના પુરાવા, પંચનામા અને સાક્ષીઓના નિવેદનો સાથે કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી

અમદાવાદઃ : શંકા વ્યાધિ સમાન છે અને આ જ શંકા જ્યારે મગજ પર સવાર થઈ જાય, ત્યારે માણસ લોહીની હોળી રમતા પણ અચકાતો નથી. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં માત્ર પત્ની સાથેના આડા સંબંધોની શંકાના આધારે પાડોશી યુવકની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્ય આરોપી આબિદ ખાન પઠાણને દોષિત જાહેર કરી આજીવન કેદની સખત સજા ફટકારી છે.
સમગ્ર મામલાની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૨માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. વિસ્તારમાં રહેતા આબિદ ખાન પઠાણ નામના શખ્સને મનમાં એવી વહેમ-શંકા પેસી ગઈ હતી કે, તેના પાડોશમાં રહેતા એક યુવકને તેની પત્ની સાથે ગેરકાયદે સંબંધો છે. આ આંધળી શંકાના કારણે આબિદ ખાને તમામ હદો પાર કરી દીધી હતી. એક દિવસ ઉશ્કેરાયેલા આબિદ ખાને તલવાર જેવા ધારદાર હથિયાર વડે પાડોશી યુવક પર તૂટી પડી, તેને જાહેરમાં ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યો હતો.
આ ચકચારી હત્યાની ઘટના બાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી આરોપી આબિદ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટના સ્થળના પુરાવા, પંચનામા અને સાક્ષીઓના નિવેદનો સાથે કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસ અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલની ધારદાર દલીલો અને પોલીસના મજબૂત વૈજ્ઞાનિક અને પ્રત્યક્ષ પુરાવાઓને આધારે અદાલતે આરોપીને ગુનાહિત માનસ ધરાવતો ગણ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, વહેમ અને શંકાના કારણે એક નિર્દોષ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જેથી સમાજમાં આવો ગુનો કરનારા તત્વોમાં કાયદાનો ડર રહે, તે માટે સેશન્સ કોર્ટે કડક વલણ અપનાવીને આરોપી આબિદ ખાન પઠાણને આજીવન જેલની સજા સંભળાવી સલાખો પાછળ ધકેલી દીધો છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
