News of Monday, 22nd June 2026
ગુજરાતના દરિયાકાંઠે ઉતરતા ડ્રગ્સના નેટવર્કનું સંચાલન વિદેશથી થાય છે
સલાયામાં પકડાયેલા ડ્રગ્સ કેસમાં NIAનો ઘટસ્ફોટ : દિલ્હી, પંજાબ, ચંદીગઢથી સંચાલિત ડ્રગ્સ નેટવર્કના મુળ ઈટાલી, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈરાન, યુએઈ અને થાઈલેન્ડ સુધી વિસ્તરેલા

અમદાવાદ તા.૨૨: ગુજરાતના દરિયાકાંઠેથી વિતેલા દસકામાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. પણ, ડ્રગ્સનો આટલો વિશાળ જથ્થો ક્યાં જવાનો હતો અને તેનું નેટવર્ક કેવું છે તેનું રહસ્ય બહાર આવતું નથી. જો કે, વર્ષ ૨૦૨૦માં સલાયા પાસેથી પકડાયેલા ૫૦૦ કરોડના હેરોઈનના કેસની તપાસ કરતાં એન.આઈ.એ.એ ચોંકાવનારાં ઘટસ્ફોટ કર્યા છે. દિલ્હી, પંજાબ અને ચંદીગઢથી સચાલિત અને વાયા ગુજરાત ચાલતા ડ્રગ્સ નેટવર્કના મુળ ઈટાલી, ઈરાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડ સુધી વિસ્તરેલા હોવાની વિગતો કેન્દ્રિય એજન્સીની તપાસમાં ખુલી છે.
વર્ષ ૨૦૨૦માં જામનગર નજીક સલાયાના દરિયાકાંઠેથી ૫૦૦ કરોડનું હેરોઈન પકડાયું હતું. હેરોઈનની દાણચોરી પંજાબ રાજ્યમાં નશાખોરી માટે થતી હોવાની પ્રાથમિક વિગતો હતી પરંતુ નેશનલ ઈન્વેસ્ટિગેશન બ્યુરોની તપાસમાં ચોકાવનારા ઘટસ્ફોટ થયા છે. ખરેખર, ૫૦૦ કરોડનું હેરોઈન મોકલવાનું કારસ્તાન નાર્કો ટેરરિઝમનો હિસ્સો હતું. ગુજરાતના દરિયાકાંઠેથી ઘુસાડતી ડ્રગ્સ કાર્ટેલ ભારતના દિલ્હી, પંજાબ અને ચંદીગઢ ઉપરાંત પાકિસ્તાન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, યુએઈ, ઈરાન સહિતના દેશોમાં વિસ્તરેલી છે. ડ્રગ્સના વેચાણથી થતી આવકનો ઉપયોગ આતકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ આપવા માટે કરવામાં આવતો હતો.
નાર્કો-ટેરર નેટવર્કના ભારતના સુત્રધાર તરીકે અંકુશકપુર નામના શખ્સનું નામ ખુલ્યું હતું. ડ્રગ્સ ઉતારવાથી માડી સંગ્રહ અને વેચાણનું નેટવર્ક સંભાળતા અંકુશકપુરની અમૃતસરમાં આવેલી મિલકતો તાજેતરમાં એન.આઈ.એ. દ્વારા એટેચ કરવામાં આવી છે. આ કેસમાં છ વર્ષની તપાસ દરમિયાન કુલ ૨૯ આરોપી સામે એન.આઈ.એ. દ્વારા ચાર્જશીટ કરવામાં આવી છે. સિન્ડિકેટના માસ્ટર માઈન્ડ તરીકે સિમરનજીત જણાયો છે અને ભાઈજાન તરીકે ઓળખાતો તારિક નામનો શખ્સ પાકિસ્તાનથી ભારતમાં દરિયાઈ માર્ગે હેરોઈનની દાણચોરીનું સંચાલન અને સકલન કરતો હતો
ઓસ્ટ્રેલિયામાં રહેતો તનવીર બેદી સામે ડ્રગ્સ હેરાફેરી અને હવાલા નેટવર્ક સહિતના આરોપ મુકાયા છે. સલાયાથી ગુજરાત એ.ટી.એસ.એ પકડેલા હેરોઈન અંગે ચાર્જશીટ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય નેટવર્ક જણાતાં તપાસ એજન્સી એન.આઈ.એ.એ ઊંડી તપાસ કરી ૨૬ આરોપી સામે તબક્કાવાર ચાર્જશીટ કરી હતી. જો કે, આ કેસમાં હજૂ આઠ આરોપીઓની શોધખોળ ચાલે છે. એન.આઈ.એ.એ ઊંડી તપાસ કર્યા પછી આઠમી પૂરક ચાર્જશીટમાં ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા પાછળ નાર્કો-ટેરરનું કાવતરું હોવાનું પ્રસ્થાપિત કર્યું છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
