<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

રાજ્યમાં ઉમેદવારોના અવસાનથી રદ થયેલી ચૂંટણીની નવી તારીખ જાહેર : વિજયનગર, બારડોલી અને બાવળા તાલુકા પંચાયતની બેઠકો પર મુકાબલો

આગામી 24 મેના રોજ મતદાન યોજાશે: 6 મેએ નોટિફિકેશન થશે જાહેર 11 મે ઉમેદવાર પત્ર ભરવાનો અંતિમ દિવસ

ગાંધીનગર :રાજ્યમાં વિવિધ કારણોસર અને ખાસ કરીને ઉમેદવારોના અકાળે અવસાનને કારણે રદ થયેલી તાલુકા પંચાયતની બેઠકો પર હવે ફરીથી ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ મુજબ આગામી 24 મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

વિગતો મુજબ, વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાનું અવસાન થતા ત્યાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. તેવી જ રીતે, બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડ અને બાવળા તાલુકા પંચાયતની દહેગામડા બેઠક પર ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીના નિધનથી ચૂંટણી રદ થઈ હતી

ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, 6 મેના રોજ ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 મે રહેશે, જ્યારે 12 મેના રોજ ફોર્મની ચકાસણી થશે. જે ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તેમના માટે 13 મે છેલ્લી તારીખ રહેશે. અંતે, 24 મેના રોજ સવારથી મતદાન યોજાશે અને 26 મેના રોજ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ સંબંધિત વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેજ થયો છે અને પક્ષોએ ફરીથી પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.

(8:20 PM IST)