<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સહકારી મંડળીઓમાં કસ્‍ટોડિયન, તપાસ અધિકારીની પેનલ માટે નવી ગાઇડલાઇન

રજિસ્‍ટ્રાર કચેરી દ્વારા લાયકાત ન હોય છતાં ભલામણ કરાશે તો પગલાં ભરાશે

અમદાવાદ તા.૧૧: રાજ્‍યની સહકારી મંડળીઓમાં સહકારી અધિનિયમ પ્રમાણેની કામગીરી ઝડપી અને અસરકારક બનાવવા માટે કસ્‍ટોડિયન અને તપાસ અધિકારીની પેનલ બનાવવા અને તેની કામગીરી માટે નવી ગાઈડ લાઈન નક્કી કરવામાં આવી છે. જેમાં કસ્‍ટોડિયન અને તપાસ અધિકારી માટે લાયકાતના ધોરણ નક્કી કરાયા છે. તે સાથે રજિસ્‍ટ્રાર દ્વારા જે કામગીરી સોંપાય તેનો ભંગ કરે કે અન્‍ય અનિયમિતતા માટે તેમને દૂર કરી શકાશે તેવી સ્‍પષ્ટતા પણ કરવામાં આવી છે. પેનલ માટે અરજદાર અરજી કરે અને તેમની લાયકાત ન હોય છતાં જિલ્‍લા રજિસ્‍ટ્રાર કચેરીના જે અધિકારી-કર્મચારીએ ભલામણ કરી હશે તો તેમની સામે પગલાં ભરાશે તેવી ચીમકી અપાઈ છે.

સહકાર મંડળીઓના રજિસ્‍ટ્રાર દ્વારા ૫ મે-૨૦૨૬એ કસ્‍ટોડિયન અને તપાસ અધિકારીની પેનલ માટે માસ્‍ટર પરિપત્ર જારી કરવામાં આવ્‍યો છે. જેમાં નવી નિમણૂકોને લઈને તમામ વિગતો આવરી લેવામાં આવી છે. સહકારી મંડળીઓનો તેના સભ્‍યો અને લોકોના આર્થિક હિતો સાથે સમાજ કલ્‍યાણનો છે તે પ્રમાણે મંડળીની કામગીરીનું નિયમન થાય તે જરૂરી હોવાથી રજિસ્‍ટ્રાર દ્વારા કસ્‍ટોડિયન અને તપાસ અધિકારીની પેનલ બનાવવામાં આવેછે. સહકારી અધિનિયમ પ્રમાણે કામગીરી સરળ બનાવવા કસ્‍ટોડિયન માટેની પેનલના સભ્‍ય માટે સહકાર ખાતાના નિવૃત્ત રાજ્‍યપત્રિત અધિકારી (વર્ગ-૨) કે મહેસૂલ અને ન્‍યાય વિભાગના નિવૃત્ત બિનરાજ્‍યપત્રિત અધિકારી લાયક શકશે પરંતુ તેમની સામે કોઈ ખાતાકીય તપાસ ચાલતી હોય કે નોકરીમાં કોઈ શિક્ષા કરાઈ હોય તો તેમની નિમણૂક કરી શકાશે નહીં, પેનલ પરના તપાસ અધિકારી માટે પણ આ ધોરણ રખાયા છે. તે સાથે વ્‍યવસાયિક રીતે વકીલાતની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમનો પણ સમાવેશ કરી શકાશે. નવી ગાઈડ લાઈન ૩૧-૧૨-૨૦૩૦ સુધી અમલી રહેશે તેમ પણ જણાવાયું છે. પેનલ પરના સભ્‍યોની અરજીની ચકાસણી અને નિમણૂક જિલ્‍લા રજિસ્‍ટ્રાર કચેરી દ્વારા કરાશે. જેમાં લાયકાતની ચકાસણી કર્યા વિના કે લાયકાત ન હોય છતાં ભલામણ કરાશે તો સંબંધિત કર્મી સામે પગલાં ભરાશે તેમ પણ ગાઈડ લાઈનમાં સ્‍પષ્ટ કરાયું છે.

(10:29 AM IST)