<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

કિંજલ રબારી-અશોક ચૌધરીના છૂટાછેડા કેસમાં નવો મોડ: મુદત હોવા છતાં બંનેમાંથી કોઈ કોર્ટમાં ન પહોંચ્યું!

રાધનપુર કોર્ટમાં વકીલો હાજર રહ્યા પણ પક્ષકારો ગેરહાજર: કૌટુંબિક દબાણ અને કાનૂની ગૂંચવણો વચ્ચે અદાલતે આગામી સુનાવણી માટે ૬ ઓક્ટોબરની તારીખ આપી

રાધનપુર : પ્રસિદ્ધ સિંગર કિંજલ રબારી અને તેમના પતિ અશોક ચૌધરી વચ્ચેના પ્રેમ લગ્ન તેમજ ત્યારબાદ શરૂ થયેલા હાઈપ્રોફાઈલ ડિવોર્સ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. રાધનપુર કોર્ટમાં આ બહુચર્ચિત કેસની સુનાવણી નિયત કરવામાં આવી હતી. બપોરના સમયે બંને પક્ષના વકીલો અદાલતમાં હાજર રહ્યા હતા, પરંતુ કિંજલ રબારી કે અશોક ચૌધરીમાંથી કોઈ પણ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા નહોતા. પક્ષકારોની ગેરહાજરીને પગલે કોર્ટે કેસની આગામી સુનાવણી માટે ૬ ઓક્ટોબર ૨૦૨૬ની નવી મુદત જાહેર કરી છે.

 

ઉલ્લેખનીય છે કે, કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ પરિવારની નારાજગી અને કૌટુંબિક દબાણને કારણે બંને એકસાથે રહી શક્યા નહોતા. શરૂઆતમાં કિંજલ રબારીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી, પરંતુ બાદમાં ગાયિકાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેમણે પરિવારના દબાણ હેઠળ આવીને આ પગલું ભર્યું હતું. આ કેસમાં ગતરોજ કિંજલ રબારીને તેમના પરિવાર સાથે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો, છતાં તેઓ ગેરહાજર રહ્યા હતા.

 

અપહરણના આક્ષેપો, મૈત્રી કરાર અને સોશિયલ મીડિયા વીડિયોનો વળાંક

 

આ સમગ્ર વિવાદ ચાલુ વર્ષના માર્ચ મહિનામાં ભારે ચર્ચામાં આવ્યો હતો. તે સમયે કિંજલ રબારીએ મુકેશ દેસાઈ નામના વ્યક્તિ સાથે મૈત્રી કરાર કર્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા. દરમિયાન એક ગાડીમાં કિંજલ રબારી જતાં હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા મુકેશ દેસાઈએ અપહરણનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 

જોકે, ત્યારબાદ ગાયિકા કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતાની મરજીથી જ પોતાના પહેલા પતિ અશોક ચૌધરી પાસે પાછા ફર્યા છે. બાદમાં કિંજલ અને અશોક હાઈકોર્ટ સમક્ષ પણ હાજર થયા હતા, જ્યાં ગાયિકાએ સ્વેચ્છાએ અશોક ચૌધરી સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે સમગ્ર રાજ્યની નજર ૬ ઓક્ટોબરે રાધનપુર કોર્ટમાં થનારી આગામી સુનાવણી પર ટકેલી છે.

 

(6:35 PM IST)