<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

અમદાવાદમાં વારંવાર રોડ ખોદવાની સમસ્યાથી છુટકારો મેળવવા નવી SOP જાહેર: રોડ બનાવતા પહેલા તમામ યુટિલિટીનો સર્વે ફરજિયાત

મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યો નવો સર્ક્યુલર; પાણી, ડ્રેનેજ, વીજળી અને ગેસ જેવી લાઈનોનું સંકલન કરીને જ રોડ ડિઝાઈન તૈયાર કરવાના આદેશ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવા ડામર કેસીસી રોડ બન્યાના થોડા જ દિવસોમાં પાણીની લાઇન, ડ્રેનેજ કે અન્ય કેબલ નાખવા માટે ફરીથી રોડ ખોદી નાખવામાં આવતી નાગરિકોની કાયમી કષ્ટદાયક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ અને સખત પગલું ભરવામાં આવ્યું છે. AMC દ્વારા રોડ નિર્માણ માટેની એક નવી અને વ્યાપક 'સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર' (SOP) જાહેર કરવામાં આવી છે.

 

નવી માર્ગદર્શિકા અનુસાર, મ્યુનિસિપલ કમિશનરે એક કડક સર્ક્યુલર જારી કરીને આદેશ કર્યો છે કે હવેથી શહેરમાં કોઈપણ રોડની ડિઝાઇન તૈયાર કરતા પહેલાં પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્ટોર્મ વૉટર ડ્રેનેજ, વીજળી, ગેસ, ટેલિકોમ અને સ્ટ્રીટલાઇટ જેવી તમામ પ્રકારની ભૂગર્ભ યુટિલિટીઝનો સર્વે કરવો ફરજિયાત રહેશે. આ સાથે રોડની હાલની સ્થિતિ અને માટીની ગુણવત્તાની તકનીકી તપાસ કર્યા બાદ જ બાંધકામ કે રિસરફેસિંગની આખરી ડિઝાઇન તૈયાર કરવાની રહેશે. આ નવા નિયમોનો અમલ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.

 

નવી SOP મુજબ, રોડનું કામ શરૂ કરતા પહેલા સ્થળનો વિગતવાર ટોપોગ્રાફિકલ સર્વે કરાવવો પડશે, જેમાં રોડની પહોળાઈ, હાલનું લેવલ, ટીપી-ડીપી રોડલાઇન અને વૃક્ષોની વિગતો નોંધાશે. જો યુટિલિટી અંગેની માહિતી અસ્પષ્ટ કે અધૂરી હશે તો 'ટ્રાયલ પિટ' ખોદીને તેની ખાતરી કરવી પડશે. આ ઉપરાંત, પાણી અને ડ્રેનેજ જેવા સંબંધિત વિભાગોના અધિકારીઓનો લેખિત અભિપ્રાય મેળવીને સંયુક્ત આયોજન કરવાનું રહેશે, જેથી રોડ બન્યા પછી તેને ખોદવાની નોબત જ ન આવે.

 

કાચા રોડને પાકો બનાવતા પહેલા માટીની 'CBR વેલ્યુ' ચકાસવાની રહેશે અને ડામર રોડના રિસરફેસિંગ અગાઉ FWD ટેસ્ટ ફરજિયાત કરાયો છે. રોડની ડિઝાઇનમાં હવેથી ફૂટપાથ, સાયકલ ટ્રેક અને ભવિષ્યની જરૂરિયાતો માટે ડક્ટ (Duct) ની જોગવાઈ પણ અનિવાર્ય કરવામાં આવી છે, જેથી નાણાંનો બગાડ અટકે અને નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

 

(11:43 PM IST)