<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

અમદાવાદમાં AC ડોમ ગરબાને ફાયર NOC નહીં: જાણતા ગાયક જીગરદાન ગઢવીના ગરબા આયોજન સામે તપાસ

નવરાત્રીના પાવન પર્વના પ્રારંભે જ જાણીતા ગાયક જીગરદાન ગઢવીના AC ડોમ ગરબા આયોજનને ફાયર વિભાગ તરફથી હજુ સુધી NOC મળ્યું નથી

નવરાત્રીના પાવન પર્વના પ્રારંભે જ અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રથમ નોરતે જ શહેરના જાણીતા ગાયક જીગરદાન ગઢવીના AC ડોમ ગરબા આયોજનને ફાયર વિભાગ તરફથી હજુ સુધી NOC મળ્યું નથી. આ ઘટનાને પગલે આયોજન સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાંજ સુધી ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે પ્રથમ નોરતે ગરબા યોજાશે કે નહીં.

ફાયર વિભાગની ટીમ દ્વારા આ સ્થળની ચાર-ચાર વખત વિઝીટ લેવામાં આવી હોવા છતાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સાંજે સાત વાગ્યા સુધી ટીમની તપાસ ચાલુ રહી હતી, પરંતુ જરૂરી સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ જોવા મળી ન હતી. વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેના કારણે અંતિમ ક્ષણો સુધી આયોજકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે.

આ વર્ષે નવરાત્રી આયોજનો માટે ફાયર વિભાગને કુલ 106 અરજીઓ મળી હતી. તેમાંથી ફાયર વિભાગે અત્યાર સુધીમાં ૫૫ ગરબા આયોજકોને NOC મંજૂર કરી દીધી છે, જ્યારે 44 અરજીઓને માન્યતા મળી ચૂકી છે. બીજી તરફ, નિયમોનું પાલન ન કરનારા 4 આયોજકોની અરજીઓ ફાયર તંત્રે સીધી ફગાવી દીધી છે. બાકીની ૫૫ જેટલી અરજીઓ હાલ અધિકારીઓ સમક્ષ વિચારણા હેઠળ છે.

સુરક્ષાના નિયમોના અનાદર સામે તંત્રનું આ કડક વલણ અન્ય આયોજકો માટે પણ ચેતવણીરૂપ સાબિત થયું છે. જાહેર કાર્યક્રમોમાં હજારો ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અનિવાર્ય હોવાથી ફાયર વિભાગ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. હવે જોવાનું એ રહેશે કે જીગરદાન ગઢવીના આયોજકો જરૂરી મંજૂરીઓ મેળવીને ગરબા શરૂ કરી શકશે કે કેમ....

(12:13 AM IST)