<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

રોશની પર કોઈ ફરજિયાત કાપ નહીં :સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં દિવાળીની રોશની ઘટાડવાની ચર્ચાઓનું ફોસ્ટાએ ખંડન કર્યું

ફોસ્ટાના જણાવ્યા અનુસાર માર્કેટ સંચાલકો વીજ બચત માટે સ્વૈચ્છિક નિર્ણય લઈ શકશે:ક્રૂડ ઓઇલ, કેમિકલ અને યાર્નના ભાવ વધતાં ટેક્સટાઈલ વેપાર પ્રભાવિત:મર્યાદિત ખરીદીથી વેપારીઓ ચિંતિત:લગ્નની સીઝનમાં સારા વેપારની આશા યથાવત્

સુરત :વીજળી સંકટની ચર્ચાઓ વચ્ચે સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં દિવાળીની રોશની ઘટાડવાના નિર્ણયને લઈને ચાલતી અટકળો પર ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) એ સ્પષ્ટતા કરી છે. ફોસ્ટાના ચેરમેન કૈલાસ હકીમ જણાવ્યું છે કે દિવાળીની રોશની પર કોઈ ફરજિયાત કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ ક્રૂડ ઓઇલ, કેમિકલ અને યાર્નના ભાવમાં વધારાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે. તહેવારોની સીઝનમાં ખરીદી મર્યાદિત રહેતાં વેપારીઓની ચિંતા પણ વધી છે.

 

સુરતમાં વીજળી સંકટ વચ્ચે ટેક્સટાઈલ માર્કેટમાં દિવાળીની રોશની ઘટાડવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, આ મામલે ફોસ્ટાના ચેરમેને સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ફોસ્ટા દ્વારા માર્કેટોમાં રોશની ઘટાડવા અંગે કોઈ ફરજિયાત નિર્ણય લેવામાં આવ્યો નથી. દિવાળીના તહેવાર દરમિયાન માર્કેટોમાં કેટલી રોશની રાખવી તેનો નિર્ણય સંબંધિત માર્કેટના સંચાલકો પોતાની રીતે લઈ શકશે.

ફોસ્ટાના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા વીજળીની બચત કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ અપીલને ધ્યાનમાં રાખીને કોઈ માર્કેટના સંચાલકો સ્વૈચ્છિક રીતે રોશની ઘટાડવા માગતા હોય તો તેમાં કોઈ વાંધો નથી. જોકે, તમામ ટેક્સટાઈલ માર્કેટ માટે એકસમાન નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. ફોસ્ટાએ સ્પષ્ટ કર્યું છે કે દિવાળી રોશની અને દીપોત્સવનો તહેવાર છે. તેથી રોશની અંગેનો અંતિમ નિર્ણય દરેક માર્કેટના સંચાલકો પર છોડવામાં આવ્યો છે.

 

બીજી તરફ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સામે વધતી ઉત્પાદનલક્ષી કિંમતોનો પડકાર ઊભો થયો છે. ક્રૂડ ઓઇલ, કેમિકલ સહિત યાર્નના ભાવમાં વધારો થતાં ટેક્સટાઈલ માર્કેટના વેપાર પર અસર પડી રહી છે. દિવાળીની સીઝનમાં સામાન્ય રીતે વેપારીઓને સારા વેપારની આશા હોય છે, પરંતુ ભાવ વધારાની પરિસ્થિતિ વચ્ચે વેપારીઓ અને ગ્રાહકો જરૂરિયાત મુજબ જ ખરીદી કરી રહ્યા છે.

 

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાંથી વિવિધ રાજ્યોમાં મોટા પ્રમાણમાં કાપડનો વેપાર થાય છે. મળતી માહિતી મુજબ, દિવાળીના સમય દરમિયાન દરરોજ આશરે 500 ટ્રક વિવિધ રાજ્યોમાં જતી હતી. જોકે, હાલ રાજ્ય બહારની મંડીઓના વેપારીઓ પણ મર્યાદિત સ્ટોક ખરીદી રહ્યા છે. તહેવારો દરમિયાન ખરીદીમાં ઘટાડો થતાં સુરતના ટેક્સટાઈલ વેપારીઓની ચિંતા વધી છે.

(9:46 PM IST)