તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
શંકા ગમે તેટલી મજબૂત હોય પુરાવાનું સ્થાન લઇ શકે નહીં: હાઈકોર્ટ
માનવ બલિ, અઘોરી વિદ્યા અને કાળા જાદુના આક્ષેપમાં કથિત મહિલા તાંત્રિકને હાઈકોર્ટે જામીન આપ્યા - : મહિલાએ કાળો જાદુ કર્યો હોવાથી બાળક ટાંકીમાં ડૂબીને મૃત્યુ પામ્યો હોવાના મામલે ફરિયાદ નોંધાઈ હતી

અમદાવાદ તા.૮: માનવ બલિ, અઘોરી વિદ્યા અને કાળા જાદુના કાયદા હેઠળ એક મહિલા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં મહિલાને રાહત આપતાં ચુકાદામાં હાઈકોર્ટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં કાયદાની સ્પષ્ટતા કરી આપી છે કે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ શંકા ગમે તેટલી પ્રબળ કે મજબૂત હોય તો પણ એ ક્યારેય પુરાવાનું સ્થાન લઈ શકતી નથી. ઉક્ત અવલોકન સાથે હાઈકોર્ટના જાસ્ટિસ એચ.ડી.સુથારે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કથિત મહિલા તાંત્રિકને રેગ્યુલર જામીન આપ્યા છે.
આ સમગ્ર મામલે કાયદાની જોગવાઈઓ, તપાસમાં સામે આવેલી હકીકતો વગેરેને ધ્યાનમાં લેતાં જાસ્ટિસ સુથારે આદેશમાં નોંધ્યું હતું કે પ્રસ્તુત કેસમાં કાળા જાદુ અને ઘેટાંની બલિની કથિત માગ અંગે થયેલી તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા મટિરિઅલને ધ્યાનમાં લેવા જરૂરી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને તેમાં વર્ણવવામાં આવેલી પરિસ્થિતિઓ સિવાય મૃતક બાળકના મૃત્યુ સાથે હાલના અરજદાર(મહિલા તાંત્રિક)ને જોડતો કોઈ પણ પ્રત્યક્ષ પુરાવો રેકોર્ડ પર લાવવામાં આવ્યો નથી. આ સંજોગોમાં કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય એ પુરાવાનું સ્થાન લઈ શકતી નથી. જ્યાં સુધી કાળા જાદુ અંગેનો કાયદો છે, તેમાં મહત્તમ સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. અરજદાર મહિલાની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની પણ જરૂર જણાતી ન હોવાથી તેની જામીન અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે.
આ મહિલાને માઈનર બાળક હોવાની બાબતની નોંધ પણ આદેશમાં હાઈકોર્ટે લીધી હતી અને નોંધ્યું હતું કે અરજદાર ૩૮ વર્ષની મહિલા છે અને તેણે તેના માઈનર બાળકની પણ સંભાળ રાખવાની છે. તેની વિરુદ્ધ અગાઉ કોઈ ગુના નોંધાયા નથી. તે સંજોગોમાં શંકા ગમે તેટલી પ્રબળ હોય તો પણ તે પુરાવાનું સ્થાન લઈ શકતી નથી તે સિદ્ધાંતને ધ્યાનમાં લેતાં કોર્ટ અરજદારના જામીન મંજૂર કરે છે.
ગુજરાત માનવ બલિ, અઘોરી પ્રથા અને કાળા જાદુને અટકાવવા અને તેના નિર્મૂલન માટેના કાયદા હેઠળ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સરકારે જામીન નહીં આપવા માટે કરેલી દલીલો મુજબ આરોપી મહિલા તાંત્રિક વિધિ કરતી હોવાથી ખુદ ફરિયાદી એનાથી ડરતા હતા અને એના કારણે ફરિયાદમાં પણ વિલંબ થયો હતો. ફરિયાદીને ત્રણ દીકરી હતી અને તેને બાળક થાય એ માટે તેણે અરજદાર મહિલાનો સંપર્ક કર્યો ત્યારે મહિલા તાંત્રિકે કેટલીક વિધિ કરી હતી અને ફરિયાદીના પત્નીને પુત્ર થયો હતો. જોકે, પુત્રના જન્મ સાથે એક શરત રાખવામાં આવી હતી કે જો પુત્ર જન્મે તો ફરિયાદીને માતાની સમક્ષ ઘેટાંની બલિ આપવાની રહેશે. પુત્રના જન્મના છ મહિના થઈ ગયાં ત્યારે આરોપી મહિલાએ ફરિયાદીને બલિ અંગે યાદ અપાવ્યું હતું, પરંતુ ફરિયાદીએ તેની વાત પર ધ્યાન આપ્યું નહોતું અને એવી દલીલ કરી હતી કે જો માતાજી એના સપનામાં આવશે તો જ એ બલિ ચઢાવશે. આ રીતે ફરિયાદીએ વિધિ પછીની શરતનો ભંગ કરતાં મહિલાએ તેને ચૈત્રી પૂનમે પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી. આヘર્યની વચ્ચે એ જ દિવસે ફરિયાદીનો પુત્ર મહિલા તાંત્રિકના ઘરની પાણીની ટાંકીમાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો. આ ઘર બંધ હતું અને મહિલા ઘરની બહાર ઊભી હતી. ફરિયાદીએ શોધખોળ કરી હતી અને ત્યારબાદ પુત્રની લાશ તાંત્રિક મહિલાના વરંડામાં આવેલી પાણીની ટાંકીમાં મળી આવી હતી. તેથી આ સમગ્ર મામલે ફરિયાદીએ અઘોરી વિદ્યા અને કાળા જાદૂના કાયદા હેઠળ તાંત્રિક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
હાઈકોર્ટે પ્રથમ લ્લષ્ટિએ એવું અવલોકન કર્યું હતું કે, આ કથિત ઘટના અને સરકારી પક્ષનો કેસ મુખ્યત્વે સંજોગોજન્ય પુરાવા પર આધારિત છે. એ બાબત નિર્વિવાદ છે કે મૃત બાળક અરજદારના પરિસરમાં આવેલી પાણીની ટાંકીમાં મળી આવ્યું હતું. જોકે, આ તબક્કે એવો કોઈ પ્રત્યક્ષ પુરાવો કે ઘટનાને સાંકળતી મજબૂત સામગ્રી ઉપલબ્ધ નથી જે એ દર્શાવે કે મૃત બાળક પાણીની ટાંકીમાં કેવી રીતે પડ્યું અથવા જે બાળકના મૃત્યુમાં અરજદાર મહિલાની સંડોવણી સાબિત કરતી હોય.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
