<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

‘કાલથી કોઈ બિન-હિંદુ ન દેખાવો જોઈએ!’: સુરતની મેડિકલ કોલેજમાં ગરબા દરમિયાન બજરંગ દળનો હંગામો, આઈ-કાર્ડ ચકાસવાની ધમકી

ઓલપાડ સ્થિત કોલેજ પરિસરમાં મુસ્લિમ સ્ટાફની હાજરી મુદ્દે તીખી બોલાચાલી; ‘લવ જેહાદ’ અને સુરક્ષાના નામે કાર્યકરોએ આયોજકો સાથે કરી દલીલો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સુરત : સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલી એક મેડિકલ કોલેજમાં નવરાત્રિ ગરબા મહોત્સવ દરમિયાન મુસ્લિમ કર્મચારીઓની હાજરીને લઈને બજરંગ દળના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવતા વિવાદ સર્જાયો છે. નવરાત્રિની ઉજવણી દરમિયાન મુસ્લિમ સ્ટાફ ગરબા રમી રહ્યો હોવાની માહિતી મળતાં જ સંગઠનના કાર્યકરો પરિસરમાં પહોંચી ગયા હતા અને ગરબામાં બિન-હિંદુઓની ભાગીદારી સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં કોલેજ મેનેજમેન્ટ અને આયોજકો સાથે બજરંગ દળના કાર્યકરો તીખી દલીલો કરતા નજરે પડે છે. આયોજકોએ સ્પષ્ટતા કરી હતી કે ગરબામાં સામેલ અન્ય સમુદાયના લોકો તેમની જ કોલેજનો સ્ટાફ છે. જોકે કાર્યકરોએ દાવો કર્યો હતો કે માતાજીનો આ પવિત્ર ઉત્સવ માત્ર હિન્દુઓ માટે જ છે, તેથી સ્ટાફ હોવા છતાં બિન-હિંદુઓને ગરબા રમવા દેવામાં આવે નહીં.

દલીલબાજી દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ લવ જેહાદ અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા આયોજનોમાં અન્ય સમુદાયના લોકોની હાજરીથી અસુરક્ષા ઊભી થાય છે, તેથી આયોજકોએ સતર્ક રહેવું જોઈએ. કાર્યકરોએ આયોજકો પાસે માંગ કરી હતી કે તેઓ તાત્કાલિક મુસ્લિમ સ્ટાફને બહાર કાઢે અને ભવિષ્યમાં બિન-હિન્દુઓ પ્રવેશ નહીં કરે તેવી જાહેરાત કરે.

બીજી તરફ કોલેજ આયોજકોએ આ રીતે ખાનગી પરિસરમાં આવીને દખલગીરી કરવા સામે સવાલ ઉઠાવ્યા હતા. મેનેજમેન્ટે જણાવ્યું હતું કે કોલેજ પરિસરમાં સ્ટાફ કે કાર્યક્રમની તમામ જવાબદારી તેમની પોતાની છે. પરંતુ સામે પક્ષે કાર્યકરોએ ચેતવણી આપી હતી કે તેઓ આગામી દિવસોમાં વધુ સંખ્યામાં આવીને ગરબામાં આવતા દરેક વ્યક્તિના ઓળખપત્ર (આઈ-કાર્ડ) અને તિલક જાતે જ ચેક કરશે.

આ ઘટના અંગે સુરત રાંદેર જિલ્લાના બજરંગ દળના સંયોજક સુજીત સિંહ રાજપૂતે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ગરબા મહોત્સવમાં મુસ્લિમ સમુદાયના લોકો ગરબે ઘૂમી રહ્યા હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ તેઓ કાર્યકરો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે અગાઉથી જ આવેદનપત્ર આપીને બિન-હિંદુઓને ગરબામાં પ્રવેશ ન આપવા રજૂઆત કરી હોવાનો દાવો પણ કર્યો હતો.

હાલમાં આ મામલે કોલેજ મેનેજમેન્ટે બીજા દિવસે બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવાની વાત કરી છે. નવરાત્રિના તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર પણ મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

(6:57 PM IST)