તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોના વિરોધ વચ્ચે તંત્ર સાથે મહત્વની બેઠકમાં કોઈ ઉકેલ નહીં : કાલે પણ હડતાળ યથાવત
મુસાફરોને આશા હતી કે ચર્ચા બાદ હડતાળનો અંત આવશે, પરંતુ બેઠકનું પરિણામ અલગ રહ્યું. યુનિયન હજુ પોતાની માંગણીઓ પર અડગ છે અને આગામી દિવસની સ્થિતિને લઈને પણ મહત્વની જાહેરાત

અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આજના દિવસ દરમિયાન RTO, પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ સાથે રિક્ષા-ટેક્સી યુનિયનના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. જોકે, બેઠકમાં કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિક્ષા અને ટેક્સી ચાલકોની વિવિધ માંગણીઓને લઈને તંત્ર સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ અને યુનિયનના આગેવાનો વચ્ચે મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી. જોકે, બંને પક્ષો વચ્ચે કોઈ અંતિમ સહમતિ બની ન હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આવતીકાલે પણ હડતાલ યથાવત રહેશે.
યુનિયન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે. આ નિર્ણયથી શહેરમાં રિક્ષા અને ટેક્સી સેવા પર વધુ એક દિવસ અસર જોવા મળી શકે છે. ખાસ કરીને રોજિંદી અવરજવર માટે જાહેર પરિવહન પર નિર્ભર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હડતાળ વચ્ચે ટેક્સી ચાલકો દ્વારા વિરોધનું અલગ આયોજન કરવાની વાત પણ સામે આવી છે. ઓનલાઈન એપ્લિકેશન મારફતે Fake Ride બુક કરાવી વિરોધ નોંધાવવાની વાત ટેક્સી ચાલકોએ કરી છે. જોકે, આ અંગે આગામી સમયમાં યુનિયન તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે.
આજની બેઠકમાં RTO, પોલીસ અને ટ્રાન્સપોર્ટ અધિકારીઓ ઉપરાંત રિક્ષા યુનિયન તથા ટેક્સી ચાલકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ હડતાળનો અંત લાવવા અને માંગણીઓ અંગે ઉકેલ શોધવાનો હતો. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા હાલ વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે. હવે તંત્ર અને યુનિયન વચ્ચે આગામી ચર્ચા ક્યારે થાય છે અને તેમાં શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
