તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 28th September 2026
પોલીસ સ્ટેશન નહિ, પણ ઈન્ટરનેટ અદાલત! ચોરી કરતી પકડાયેલી કામવાળીને માલિકે પગાર આપી રવાના કરી, પણ વાયરલ વિડિયોએ સોશિયલ મીડિયા પર બે ભાગલા પાડી દીધા
ઘરમાં ચોરીના આરોપ બાદ માલિકનું અનોખું વલણ: ન પોલીસ કે ન હંગામો, પણ ચહેરો બ્લર કર્યા વિના વિડિયો ઓનલાઈન મુકાતાં પ્રાઈવસી અને નૈતિકતા સામે ઉઠ્યા ગંભીર સવાલો.

અમદાવાદ, તા.૨૮: સોશિયલ મીડિયાના યુગમાં કોઈ ઘટના ક્યારે ચર્ચાનો વિષય બની જાય તે કહેવું મુશ્કેલ છે. હાલમાં જ ઈન્ટરનેટ પર એક એવો વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે નેટીઝન્સને વિચારતા કરી મૂક્યા છે. ઘટના એક ઘરમાંથી ચોરી કરતી પકડાયેલી કામવાળી બાઈ (હાઉસકીપર) અને ઘરના માલિક વચ્ચેની છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં મોટો હંગામો, મારપીટ કે પોલીસ કેસ જોવા મળતો હોય છે, પરંતુ અહીં માલિકે જે માર્ગ અપનાવ્યો તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વાયરલ થઈ રહેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે કામવાળી બાઈ માલિકની સામે ઘૂંટણિયે બેસીને, બે હાથ જોડીને સતત માફી માંગી રહી છે. બીજી તરફ, ઘરના માલિક પણ અત્યંત શાંતિથી ટેબલ પર પડેલા કાગળો અને વસ્તુઓ સરખી કરતા કરતા તેની સાથે વાત કરી રહ્યા છે. માલિક તેને સ્પષ્ટ શબ્દોમાં "ડ્રામા નહીં કરવાનો" તેમ કહીને શાંત રહેવા જણાવે છે. આશ્ચર્યની વાત એ છે કે, માલિકે પોલીસ કેસ કરવાને બદલે કે કોઈ જાહેરમાં તમાશો કરવાને બદલે તે મહિલાને તેના કામ કરેલા દિવસોનો પૂરેપૂરો પગાર આપ્યો અને ઘર છોડીને ચાલ્યા જવાનું કહ્યું.
જોકે, આ સમગ્ર ઘટનાનો વિડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ નિર્ણયે જ હવે ઈન્ટરનેટ પર એક નવો વિવાદ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ હવે બે જૂથમાં વહેંચાઈ ગયા છે અને તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક વર્ગ ઘરના માલિકના શાંતિપૂર્ણ વલણના વખાણ કરી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક હિંસા વગર, કાયદો હાથમાં લીધા વિના માલિકે ખૂબ જ પરિપક્વતાથી પરિસ્થિતિ સંભાળી અને તેને હ્યુમેનિટી (માનવતા)ના ધોરણે હિસાબ ચુકવીને રવાના કરી.
બીજી તરફ, બીજો વર્ગ માલિકના વિડિયો શૂટ કરીને વાયરલ કરવાના ઈરાદા પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યો છે. લોકોનું માનવું છે કે જો માલિકે તેને માફ કરીને 'ખાનગી સમાધાન' કર્યું જ હતું, તો પછી તેનો ચહેરો બ્લર કર્યા વગર વિડિયો ઈન્ટરનેટ પર મૂકવાની શું જરૂર હતી? આનાથી તે મહિલાની સામાજિક પ્રતિષ્ઠા અને પ્રાઈવસી પર કાયમી દાગ લાગી ગયો છે.
હાલમાં આ વિડિયો પર લાઈક્સ અને કમેન્ટ્સનો સૈલાબ આવ્યો છે. એક તરફ જ્યાં આ ઘટના શાંતિપૂર્ણ ઉકેલનું ઉદાહરણ બને છે, તો બીજી તરફ તે ડિજિટલ યુગમાં લોકોની પ્રાઈવસી અને નૈતિકતા સામે પણ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
