<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

હવે અદાણીએ CNGના ભાવમાં પ્રતિ કિલો ૨.૨૪ રૂપિયાનો વધારો કર્યો

ભાવવધારાને કારણે ખાસ કરીને મધ્‍યમ વર્ગ અને રોજિંદા મુસાફરી કરતા લોકોના બજેટ પર સીધી અસર જોવા મળશે

અમદાવાદ તા.૧૬: ગુજરાતમાં વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારી માર સહન કરવાનો વારો આવ્‍યો છે. વાસ્‍તવમાં અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત CNG વિતરણ વ્‍યવસ્‍થામાં પ્રતિ કિલો ૨.૨૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે, જે આજથી એટલે કે ૧૬ મે થી અમલમાં આવી ગયો છે. આ ભાવવધારાને કારણે ખાસ કરીને મધ્‍યમ વર્ગ અને રોજિંદા મુસાફરી કરતા લોકોના બજેટ પર સીધી અસર જોવા મળશે.

નવા ભાવ વધારા બાદ હવે CNGનો દર પ્રતિ કિલો ૮૬.૧ રૂપિયા સુધી પહોંચી ગયો છે. છેલ્‍લા થોડા સમયથી સતત થઈ રહેલા ભાવવધારાએ વાહનચાલકોની ચિતામાં વધારો કર્યો છે. અગાઉ ૪ એપ્રિલના રોજ પણ પ્રતિ કિલો ૧.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો હતો. એટલે કે માત્ર દોઢ મહિનાના સમયગાળામાં કુલ મળીને લગભગ ૩.૭૪ રૂપિયા જેટલો વધારો નોંધાયો છે.પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવથી બચવા માટે ઘણા વાહનચાલકો CNG તરફ વળ્‍યા હતા, પરંતુ હવે CNGના સતત વધતા ભાવો તેમના માટે નવી મુશ્‍કેલી બની રહ્યા છે. ખાસ કરીને રિક્ષા, ટેક્‍સી અને કોમર્શિયલ વાહનો ચલાવતા લોકોની રોજિદી આવક પર સીધી અસર થવાની શક્‍યતા છે. નિષ્‍ણાતોનું માનવું છે કે ઇંધણના વધતા ખર્ચને કારણે આગામી સમયમાં મુસાફરી ભાડામાં પણ વધારો થઈ શકે છે

(4:01 PM IST)