તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
હવે સુરતની સુમુલ ડેરીએ પ્રતિ લિટર બે રૂપિયા વધારી દીધા :19મી મેથી મંગળવારથી જ અમલમાં
એક જ અઠવાડિયામાં ગુજરાતની બે મોટી સહકારી ડેરીઓ અમૂલ અને સુમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરતા સામાન્ય પરિવારો અને ગૃહિણીઓનું ઘરખર્ચનું બજેટ ખોરવાઈ જશે.

અમદાવાદ : તાજેતરમાં અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવ વધારવામાં આવ્યા બાદ હવે સુરતની સુમુલ ડેરીએ પણ દૂધની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલો આ ભાવ વધારો 19મી મેથી મંગળવારથી જ અમલમાં આવી જશે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી એવી સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, દૂધના પેકેજિંગ માટેની ફિલ્મ, વિવિધ ઈનપુટ કોસ્ટ અને ફ્યુઅલ (ડીઝલ)ના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તમામ પરિબળોને કારણે દૂધના પ્રોસેસિંગ અને વિતરણ ખર્ચમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હોવાથી ભાવ વધારો કરવાની ફરજ પડી છે.
સુમુલ ડેરીના આ નિર્ણય પહેલા હજુ ગત 13મી મેના રોજ જ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના નેજા હેઠળ કામ કરતી અમૂલ ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો હતો, જે 14મી મે 2026થી લાગુ થઈ ચૂક્યો છે.
અમૂલ ડેરીએ દૂધની વિવિધ વરાયટીઓમાં લિટરદીઠ 1 રૂપિયાથી લઈને 4 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જેમાં ટી સ્પેશિયલ દૂધની એક લિટરની થેલી પર 3 રૂપિયા અને ભેંસના દૂધની 500 મિલીલિટરની થેલી પર બે રૂપિયા (એટલે કે લિટરદીઠ ચાર રૂપિયા)નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ અમૂલના ભેંસના દૂધનો લિટરદીઠ ભાવ વધીને 78 રૂપિયા થઈ ગયો છે.
એક જ અઠવાડિયામાં ગુજરાતની બે મોટી સહકારી ડેરીઓ અમૂલ અને સુમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવતા સામાન્ય પરિવારો અને ખાસ કરીને ગૃહિણીઓનું ઘરખર્ચનું બજેટ ખોરવાઈ જશે. રોજિંદા વપરાશની વસ્તુ ગણાતા દૂધના ભાવ વધવાને કારણે હવે અન્ય ડેરી પ્રોડક્ટ્સ અને ચા-કોફીના ભાવ પર તેની અસર જોવા મળી શકે છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
