News of Friday, 1st May 2026
અમદાવાદમાં હવે વાંદરાઓની પણ થશે વસ્તી ગણતરી
વધતા હુમલા રોકવા વન વિભાગનો માસ્ટરપ્લાન : ડેટાના આધારે હવે માત્ર ફરિયાદના આધારે રેસ્ક્યુ કરવાને બદલે વૈજ્ઞાનિક રીતે પણ મેનેજ કરી શકાશે

અમદાવાદ તા.૧: શહેરમાં વાંદરાઓનો ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં વાંદરાઓના હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. વાંદરાના વધતા ત્રાસને ધ્યાનમાં રાખી વન વિભાગે અમદવાદમાં સૌપ્રથમવાર વાંદરાઓની ગણતરી શરૂ કરી છે. નિષ્ણાતોના મતે, આ ડેટાના આધારે હવે માત્ર ફરિયાદના આધારે રેસ્ક્યુ કરવાને બદલે વૈજ્ઞાનિક રીતે પણ મેનેજ કરી શકાશે.
મંદિરો, શાકભાજી માર્કેટ, હાઉસિગ સોસાયટીઓ અને ખુલ્લા મેદાનોમાં લોકો દ્વારા વાંદરાઓ અને લંગૂરને ખવડાવવાની વધતી પ્રવૃત્તિ વચ્ચે આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ ઓનલાઇન સર્વેમાં ૨૭ મુદ્દાઓની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે, જેમાં વાંદરાઓના ટોળાનું કદ, કચરાનો અયોગ્ય નિકાલ અને વાંદરાઓ દ્વારા થતા નુકસાન વિશે પૂછવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વિસ્તારોને ઝોનમાં વહેંચવામાં આવ્યા છે અને રેસિડેન્શિયલ સોસાયટીઓને ગૂગલ ફોર્મ મોકલીને ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રાથમિક સર્વે બાદ ટ્રાયલ ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ફૂલ-સ્કેલ ગણતરી શરૂ થશે.
સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધી વન વિભાગ માત્ર ફરિયાદો મળ્યા બાદ જ કામગીરી કરતું હતું. પરંતુ હવે વાંદરાઓ ક્યાં રહે છે, તેમની સંખ્યા કેટલી છે, તેઓ કયા રસ્તે અવરજવર કરે છે અને કેટલા કિસ્સામાં ઘરમાં ઘૂસે છે તેની ચોક્કસ માહિતીની જરૂર છે. આ ડેટાથી વાંદરાઓને પકડવા, છોડવા અને ટીમ તૈનાત કરવાના નિર્ણયો લેવામાં મદદ મળશે.
વન વિભાગે વાંદરાઓની સમસ્યા હોય તેવા ૧૯૮ સ્થળોની ઓળખ કરી છે. જેમાં વષાપુર, નવરંગપુરા, થલતેજ, બોપલ, ઘુમા, અંબાવાડી, પાલડી, શાહીબાગ, ચાંદખેડા, કુબેરનગર, નરોડા, નારોલ, સાબરમતી, બિલાસિયા, મણિનગર અને અસારવા સૌથી વધુ ત્રાસ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વાંદરાઓને ખવડાવવાની પ્રવૃત્તિ હવે આક્રમકતા અને નિર્ભરતામાં પરિણમી રહી છે. સાબરમતી નદી પરથી પસાર થતી મેટ્રો ટ્રેનને પણ વાંદરાઓને ડરાવવા માટે હોર્ન મારવો પડે છે અથવા ઉભી રાખવી પડે છે. આગામી સમયમાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ હોસ્ટ કરવાનું છે ત્યારે આ સમસ્યા નકારાત્મક છાપ પાડી શકે છે.
વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વાંદરાઓ કે લંગૂરને ખવડાવવું એ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો છે. પ્રથમ વખત પકડાયા તો રૂ. ૨૫,૦૦૦નો દંડ અને વારંવાર નિયમ તોડવા બદલ જેલની સજા પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા શહેરના ચાણક્યપુરીના શાયોના વિસ્તારમાં આવેલી આર.સી. ટેકનિકલથી કારગિલ પેટ્રોલ પંપ સુધીના પટ્ટામાં વાંદરાએ આતંક મચાવ્યો હતો. આ ભયને કારણે સ્થાનિક ૨૦થી વધુ સોસાયટીઓના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરતા હતા. વાંદરાએ ૧૦થી ૧૫ લોકો પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને પણ નિશાન બનાવતા હતા.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
