તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
નર્મદા જિલ્લામાં આંગણવાડીના બાળકો માટેના 'દૂધ સંજીવની' યોજનાના દૂધના અસંખ્ય પેકેટ્સ રસ્તા પર મળ્યા :ભારે ચકચાર
કરોડોના ખર્ચે ચાલતી આ સરકારી યોજનાના દૂધના પેકેટો આ રીતે રસ્તા પર ફેંકી દઈને કરવામાં આવેલો બગાડ તંત્રની ઘોર બેદરકારી

નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા વચ્ચેના મુખ્ય માર્ગ પર કણબીપીઠા નજીકથી આંગણવાડીના બાળકો માટેના 'દૂધ સંજીવની' યોજનાના અસંખ્ય પેકેટ્સ રસ્તા પર બિનવારસી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કુપોષિત બાળકોને પૂરતું પોષણ મળી રહે તેવા આશયથી કરોડોના ખર્ચે ચાલતી આ સરકારી યોજનાના દૂધના પેકેટો આ રીતે રસ્તા પર ફેંકી દઈને કરવામાં આવેલો બગાડ તંત્રની ઘોર બેદરકારી અને માનવતાહીન અભિગમની ચાડી ખાય છે.
સ્થાનિકોમાં આ દ્રશ્યો જોઈને ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદારો સામે કડક તપાસની માંગ ઉઠી છે, કારણ કે અગાઉ પણ ઘાટોલી વિસ્તારમાંથી આ જ પ્રકારે દૂધના પેકેટો મળી આવ્યા હતા. આ ચકચારી ઘટનાને પગલે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યું છે અને નર્મદા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જનક માઢકે આ મામલે કડક તપાસના આદેશો જારી કર્યા છે. તેમણે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે, અગાઉ ૧ જૂન ૨૦૨૬ના રોજ પણ આવી જ ઘટના બની હતી અને તે દિવસે માસૂમ બાળકો દૂધના પોષણથી વંચિત રહ્યા હતા તે એક કડવું સત્ય છે.
ભરૂચની દૂધધારા ડેરીથી એજન્સી દ્વારા જે તે આંગણવાડી સુધી આ દૂધ જે-તે દિવસે જ (સેમ ડે) સપ્લાય કરવાનું નિયમન હોય છે, તેમ છતાં આ દૂધ કેમ સમયસર ન પહોંચાડાયું અને કયા સંજોગોમાં રસ્તા પર ફેંકી દેવાયું તે બાબત શંકાના દાયરામાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સપ્લાયર કે વચેટિયા એજન્સી દ્વારા આ ગંભીર પ્રકારની ગેરરીતિ અને 'મિસચિફ' કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરીને દોષિતો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની ખાતરી અધિકારીએ આપી છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
