તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
નવા ટીપી રોડની દરખાસ્ત પૂર્વે અવરોધો-દબાણ દૂર કરવા પડશે
મહાનગરપાલિકા અને નગરપાલિકાને સહાયમાં સમાનતા માટે શહેરી વિકાસ વિભાગની એસઓપી : ચોમાસામાં રસ્તાઓને થયેલા નુકસાનનું સમારકામ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કરી શકાશે

અમદાવાદ,તા.૦૩: રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહાનગરપાલિકા નગરપાલિકામાં રસ્તાઓના કામમાં ગુણવત્તા અને માપદંડ સાથે સમાનતા જળવાઈ રહે તે માટે મુખ્ય મંત્રી શહેરી સડક યોજના અંતર્ગત સહાયના ધોરણો, કયા કામો અને કરી શકાશે અને તે માટે અનુસરવાની એસઓપી નવેસરથી જાહેર કરી છે. જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા નવા બનાવવાના થતા ટીપી રોડમાં સંપૂર્ણ સર્વે કર્યા પછી અનધિકૃત અવરોધો, બાંધકામ કે દબાણ આવતા હશે તો દરખાસ્ત કર્યા પહેલાં જ તેને દૂર કરવા પડશે. ચોમાસુ માથે છે ત્યારે ચોમાસા દરમિયાન જેરસ્તાઓને નુકસાન થયું હોય તેનું પણ રિપેરિગ ગ્રાન્ટમાંથી કરી શકાશે.
શહેરી વિકાસ વિભાગે નિયત કર્યા મુજબ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત વિવિધ કામ કરી શકાશે. જેમાં ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના કામોના કારણે નુક્સાન થયેલા રસ્તાઓને પુનઃ સ્થાપિત (ભૂગર્ભ FIF IT IL ગટર અને પાણી પરવઠાના કામોમાં ટેન્ડરમાં સમાવેશ ના થયા હોય તેવા જ રસ્તા) કરી શકાશે. રસ્તાનું પેવરિગ અને રિસરફેસિગ, કાચા રસ્તાને પાકા કરવા, સી.સી. રોડ અને પથ્થર, બ્લોક પેવિગ-ફૂટપાથનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા, સત્તા મંડળને ફાળવાતી ગ્રાન્ટ નિયત ઠરાવ મુજબ મળશે. તો નગરપાલિકાઓને વર્ગ વાર પ્રતિ વર્ષ સહાય મળશે. જેમાં અ વર્ગની નગરપાલિકાઓને દર વર્ષે ૮ કરોડ, બ. વર્ગમાં ૩.૬ કરોડ, ક વર્ગમાં ૨.૪ કરોડ અને ડ વર્ગમાં ૧.૬ કરોડ રૂપિયાની સહાય મળવાપાત્ર છે.
કોઈપણ એજન્સી દ્વારા ખોદકામ બાદ ફૂટપાથને મૂળ ધોરણ મુજબ પુનઃ સ્થાપિત કરવાનું ફરજીયાત રહેશે. આ બાબતે સંબંધિત વોર્ડ કે ઝોન ઈજનેર દ્વારા દર ત્રણ મહિને મોનિટરિગ કરવું પણ ફરજીયાત છે. રોડમાં કોઈપણ બાંધકામ હોય તો તે દૂર કરવાનું રહેશે અને જો કોઈ જરૂરી બાધકામ હોય તો રોડની દરખાસ્ત પહેલા સંબંધિત બાંધકામને યથાસ્થિતિ રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર કે પ્રાદેશિક કમિશનરની પૂર્વ મંજૂરી કે પરવાનગી લેવી પડશે. તે પછી જ રોડનું આયોજન કરી શકાશે. અકસ્માત નિવારવા અને અયોગ્ય પાર્કિગ નિયંત્રિત કરવા તેમજ ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લી રહે અને અનિધકૃત દબાણ ન થાય તે માટે જે તે સુવિધાને અલગ ઓળખ આપવાની રહેશે. દિવ્યાંગજનોને સુલભતા થાય અને વધુ અવરજવર હોય ત્યાં વ્હીલચેર જઇ શકે તે પ્રમાણે ફૂટપાથની ઉંચાઇ પણ ઘટાડવાની રહેશે.
મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા માર્ગોની કામગીરીનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવીને ઈમ્પેક્ટ ઓડિટ રજૂ કરવું પડશે. તે સાથે તમામ જરૂરી સ્થાનો ઉપરનિયમો અનુસાર દિશાસૂચકથી લઈને વિવિધ પ્રકારની માહિતી વાહનચાલકોને મળી શકે તેના સાઈનેજ પણ લગાવવાના રહેશે.
૨ મીટર પહોળાઇની બિનઅવરોધિત કૂટપાથ ફરજિયાત
મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા બનાવાતા મુખ્ય રોડ, હયાત રોડનું રિસરફેસિગ અને નવા બનાવવાના થતા રોડ અને ટીપી રોડ કે જેની પહોળાઈ ૯ મીટર કે તેથી વધુ છે ત્યાં complete streets અને ડસ્ટ ફ્રી રોડના હેતુથી બંને બાજુ લઘુત્તમ ૨.૦ મીટર પહોળાઇ સાથે બિનઅવરોધિત ફૂટપાથ ફરજીયાત રાખવાની રહેશે. ડસ્ટ ફ્રી રોડ માટે રોડની પહોળાઇને અનુરૂપ રોડની એઝ પર કર્બ લગાવીને કાચા ભાગમાં વૃક્ષારોપણ પણ કરવાનું રહેશે.
રસ્તાની બંને બાજુ વૃક્ષારોપણમાં ટ્રીટેડ વોટરનો ઉપયોગ
શહેરોમાં ઉનાળામાં ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વૃક્ષ આવરણ વધે તેનું પણ ધ્યાન એસઓપીમાં રખાયું છે. જેમાં મહાનગરો અને નગરપાલિકા દ્વારા બનાવાતા મુખ્ય રોડ કે જેની પહોળાઈ ૧૨ મીટર કે તેથી વધુ છે ત્યાં બંને બાજુ અને મધ્યમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી વૃક્ષારોપણ કરવાનું રહેશે, પરંતુ તેના કારણે ટ્રાફિક કે રસ્તાની અન્ય ઉપયોગીતાને કોઇપણ રીતે નડતરૂપ ન થાય કે વાહન ચાલકને જોવામાં મુશ્કેલી ન સર્જાય તેની પણ તકેદારી રાખવા તાકીદ કરાઇ છે. સ્થાનિક વૃક્ષોની પ્રજાતિ રોપી તેની જાળવણી માટે શક્ય તેટલો મહત્તમ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ વૃક્ષોને પાણી આપવા માટે કરવો પડશે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
