<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

અંબાજી મંદિરમાં રૂા.૨૪.૭૫ લાખની ૨ સોનાની લગડીઓ અર્પણ

સોનું સુવર્ણ શિખર અને વિવિધ સુવર્ણ કાર્યો માટે ઉપયોગમાં લેવાશે

અંબાજી  તા.૨૯: યાત્રાધામ અંબાજી મંદિરમાં મા અંબા પ્રત્‍યેની અતૂટ શ્રદ્ધા સાથે માઈભક્‍તો દ્વારા સોનાનું દાન કરવાનો પ્રવાહ સતત જળવાઈ રહ્યો છે. તાજેતરમાં એક શ્રદ્ધાળુ ભક્‍તે મા અંબાના ચરણોમાં સોનાની બે લગડીઓનું ભવ્‍ય દાન કરી પોતાની આસ્‍થા વ્‍યક્‍ત કરી હતી.

મળતી માહિતી મુજબ, ભક્‍ત દ્વારા અર્પણ કરવામાં આવેલી બે નંગ સોનાની લગડીઓનું કુલ વજન ૧૬૭.૨૭૦ ગ્રામ છે. આ સોનાની લગડીઓની અંદાજિત કિમત રૂા.૨૪.૭૫ લાખ જેટલી હોવાનું જણાવવામાં આવ્‍યું છે.

અંબાજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા ભક્‍ત તરફથી આપવામાં આવેલું સોનાનું દાન સ્‍વીકારી તેની વિધિવત રસીદ આપવામાં આવી હતી. સાથે જ મંદિર ટ્રસ્‍ટ દ્વારા દાન આપનાર માઈભક્‍તનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

અંબાજી મંદિર ખાતે સુવર્ણ શિખર સહિત માતાજીના વિવિધ સુવર્ણ કાર્યો માટે ભક્‍તો દ્વારા સતત સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે. દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ પોતાની યથાશક્‍તિ પ્રમાણે સોનું અર્પણ કરી મા અંબા પ્રત્‍યેની ભક્‍તિ અને શ્રદ્ધા વ્‍યક્‍ત કરી રહ્યા છે.

મા અંબાના ચરણોમાં આટલું મોટું સોનાનું દાન થતાં મંદિર પરિસરમાં પણ ભક્‍તોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. અંબાજી ધામમાં ભક્‍તિ અને શ્રદ્ધાના આ અનોખા દાનથી ફરી એકવાર‘મા અંબા પ્રત્‍યેની અતૂટ આસ્‍થા'નો ભાવ પ્રગટ થયો છે.

(9:58 AM IST)