હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાગબારા તાલુકાના ઉભારીયા ગામે ‘જન ભાગીદારી અભિયાન કેમ્પ’માં અધિકારીઓ ગેરહાજર,જનતા પરેશાન
મામલતદાર સહિત મહેસૂલ વિભાગ અને અન્ય મહત્વપૂર્ણ શાખાઓના અધિકારીઓ ગેરહાજર રહેતા લોકોમાં ભારે અસંતોષ

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઉભારીયા ગામે આયોજિત ‘જન ભાગીદારી અભિયાન કેમ્પ’માં અનેક મહત્વના અધિકારીઓ ગેરહાજર રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના લોકોના પ્રશ્નો સ્થળ પર જ ઉકેલવાના હેતુથી યોજાયેલા કેમ્પમાં લોકો આશા સાથે પહોંચ્યા હતા, પરંતુ જવાબદાર અધિકારીઓની ગેરહાજરીને કારણે લોકો નિરાશ થઈ પરત ફર્યા હતા.
આ કેમ્પ પ્રાથમિક શાળા, ઉભારીયા ગામ ખાતે “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ યોજના (PM JANMAN)” અંતર્ગત યોજાયો હતો. સરકારના પરિપત્ર મુજબ આવાસ, રસ્તા, રેશનકાર્ડ, આધારકાર્ડ તેમજ જમીન સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ કરવાનું હતું, પરંતુ મહેસૂલ સહિતની અનેક મહત્વની શાખાના અધિકારીઓ હાજર રહ્યા ન હતા.
કેમ્પમાં કોણ હાજર રહ્યા?
કેમ્પમાં ખોપી જિલ્લા પંચાયત સદસ્ય ગિરધનભાઈ વસાવા, TDO, વિસ્તરણ અધિકારી, મનરેગા અધિકારી તેમજ તલાટી હાજર રહ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી હતી.
મુખ્ય અધિકારીઓ રહ્યા ગેરહાજર
મામલતદાર સહિત મહેસૂલ વિભાગ અને અન્ય મહત્વપૂર્ણ શાખાઓના અધિકારીઓ ગેરહાજર રહેતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે સરકારની યોજનાઓનો લાભ અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને યોગ્ય રીતે મળતો નથી.
ઉભારીયા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો પોતાની રોજબરોજની મજૂરી છોડીને કેમ્પમાં આવ્યા હતા. પરંતુ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ વગર ખાલી હાથે પરત ફરવું પડતા લોકોએ અધિકારીઓની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ માંગ કરી હતી કે ભવિષ્યમાં આવા કેમ્પોમાં તમામ સંબંધિત અધિકારીઓ ફરજિયાત હાજર રહે અને લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવે તે રીતે યોગ્ય આયોજન થવું જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
