તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે ‘આનંદમઠ’નું ભવ્ય મંચન થશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ પ્રથમવાર રજૂ થશે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક કૃતિ ‘આનંદમઠ’: ૧૦૦ × ૧૦૦ ફૂટના વિશાળ મંચ પર ૩૦૦ જેટલા કલાકારોની સહભાગિતાથી સાકાર થશે ૯૦ મિનિટની ભવ્ય નાટ્યપ્રસ્તુતિ:બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક નવલકથા ‘આનંદમઠ’નો ભાગ છે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’:વર્ષ ૧૯૫૨માં હેમેન ગુપ્તાના દિગ્દર્શન અને પૃથ્વીરાજ કપૂરના અભિનયમાં ‘આનંદ મઠ’ નવલકથા પરથી બની હતી હિન્દી ફિલ્મ

રાજપીપળાઃભારતની આઝાદીની લડતને પ્રેરણા આપનારાં અનેક સાહિત્યિક સર્જનોમાં ‘આનંદમઠ’નું સ્થાન વિશિષ્ટ છે. માતૃભૂમિ પ્રત્યેનો અનન્ય પ્રેમ, રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના અને સ્વતંત્રતાની ચેતનાને અભિવ્યક્ત કરતી આ ઐતિહાસિક કૃતિ આજે પણ ભારતીય જનમાનસમાં વિશેષ સ્થાન ધરાવે છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિના ઉપલક્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત પ્રથમવાર એકતાનગર ખાતે આ ઐતિહાસિક કૃતિનું ભવ્ય નાટ્યમંચન થશે. જે દેશની સાંસ્કૃતિક વિરાસત અને રાષ્ટ્રીય ચેતનાને નવી ઊંચાઈએ લઈ જનારું બની રહેશે.
એકતાનગર સ્થિત ડેમ વ્યૂ પોઇન્ટ-૧ ખાતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા રજૂ થનારી આ નાટ્યકૃતિનું વિશેષ આકર્ષણ તેની ભવ્યતા, વિશાળ મંચરચના અને કલાકારોની સામૂહિક અભિવ્યક્તિ છે. અંદાજે ૧૦૦ × ૧૦૦ ફૂટના વિશાળ મંચ પર લગભગ ૩૦૦ કલાકારોની ભાગીદારી સાથે અંદાજે ૯૦ મિનિટ સુધી ચાલનારી આ પ્રસ્તુતિ ઐતિહાસિક સાહિત્યને જીવંત દૃશ્યઅનુભવમાં રૂપાંતરિત કરશે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પ્રશિક્ષિત કલાકારોની અભિનયક્ષમતા, રંગમંચની કળા અને નાટ્યાત્મક રજૂઆત દ્વારા પ્રેક્ષકો સમક્ષ રાષ્ટ્રપ્રેમની એક પ્રભાવશાળી ગાથા સાકાર થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આ પ્રસ્તુતિ વિશેષ ઐતિહાસિક મહત્ત્વ ધરાવશે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના ખાસ આમંત્રણ દ્વારા આનંદમઠ’ની નાટ્યકૃતિમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનો શ્રી શાંતનુ ચટ્ટોપાધ્યાય, શ્રીમતી બરનાલી ચટ્ટોપાધ્યાય અને સુમિત્રો ચટ્ટોપાધ્યાય ઉપસ્થિત રહશે.
‘આનંદમઠ’: નવલકથાથી રાષ્ટ્રીય ચેતના સુધીની સફર
‘આનંદમઠ’ મૂળભૂત રીતે બંગાળના વિખ્યાત સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા વર્ષ ૧૮૮૨માં રચાયેલી ઐતિહાસિક નવલકથા છે. આ કૃતિમાં દેશપ્રેમ, માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવનાઓને સાહિત્યિક અભિવ્યક્તિ આપવામાં આવી છે. પોતાની પ્રભાવશાળી કથાવસ્તુ અને રાષ્ટ્રભાવનાને કારણે આ નવલકથા ભારતીય સાહિત્યના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.આ કૃતિની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ મૂળ ‘આનંદમઠ’નો જ એક ભાગ છે. ‘વંદે માતરમ્’ના શબ્દોમાં માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ, આદર અને સમર્પણની જે ભાવના વ્યક્ત થાય છે, તેણે સ્વાતંત્ર્યસંગ્રામના સમયગાળામાં રાષ્ટ્રજાગૃતિને પ્રેરણા આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ગીત સમય જતાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બન્યું.
આ રીતે ‘આનંદમઠ’ માત્ર એક સાહિત્યિક કૃતિ બનીને સીમિત રહ્યું નથી, પરંતુ તેણે ભારતીય રાષ્ટ્રવાદની વિચારધારાને સાહિત્ય અને સંસ્કૃતિના માધ્યમથી જનમાનસ સુધી પહોંચાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
સાહિત્યિક વારસાનું રંગમંચ પર જીવંત રૂપાંતર
‘આનંદમઠ’ મૂળ નાટક નહીં, પરંતુ ઐતિહાસિક નવલકથા છે. જોકે, તેની લોકપ્રિયતા અને કથાની પ્રભાવશાળી અભિવ્યક્તિને કારણે સમયાંતરે તેના પરથી નાટ્યરૂપાંતરણો અને ફિલ્મોનું નિર્માણ થયું છે. વર્ષ ૧૯૫૨માં ‘આનંદમઠ’ નામે હિન્દી ફિલ્મ પણ બની હતી, જેના માધ્યમથી આ કૃતિની કથા વ્યાપક દર્શકવર્ગ સુધી પહોંચી હતી. હવે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા તેની ભવ્ય રંગમંચીય પ્રસ્તુતિ સાહિત્ય, અભિનય અને દૃશ્યકળાના સમન્વયનું વિશિષ્ટ ઉદાહરણ બનશે. લગભગ ૧૦,૦૦૦ ચોરસ ફૂટના મંચ પર આટલા મોટા પાયે થનારી રજૂઆત કલાકારોની સામૂહિક મહેનત, નાટ્યનિર્દેશન અને રંગમંચીય આયોજનની ક્ષમતાને ઉજાગર કરશે.
નાટ્યમંચનનું મહત્ત્વ માત્ર તેની વિશાળતા પૂરતું મર્યાદિત નથી. ઐતિહાસિક સાહિત્યની ભાવનાને આજના સમય સાથે સાંકળીને નવી પેઢી સમક્ષ રજૂ કરવી એ પણ આ પ્રકારની સાંસ્કૃતિક પહેલનું મહત્ત્વપૂર્ણ પાસું છે. આવી પ્રસ્તુતિઓ યુવાનોમાં ભારતીય સાહિત્ય, ઇતિહાસ અને સ્વાતંત્ર્યસંગ્રામના પ્રેરણાદાયી પ્રસંગો પ્રત્યે જિજ્ઞાસા જગાડવામાં મદદરૂપ બને છે.
સરદાર પટેલની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતાનો સંદેશ
સરદાર વલ્લભભાઈ પટેલનું સમગ્ર જીવન રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દૃઢ રાષ્ટ્રનિર્માણની પ્રેરણાનું પ્રતીક છે. સ્વતંત્રતા પછી દેશનાં રજવાડાંઓના એકીકરણમાં તેમના ઐતિહાસિક યોગદાનને કારણે તેઓ ‘લોખંડી પુરુષ’ તરીકે ઓળખાય છે. તેમની ૧૫૧મી જન્મજયંતિના અવસરે એકતાનગર ખાતે ‘આનંદમઠ’નું મંચન થવું સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ વિશેષ પ્રાસંગિકતા ધરાવે છે.એક તરફ સરદાર પટેલનું જીવન દેશની એકતા અને અખંડિતતાના સંકલ્પને સાકાર કરનારું છે, તો બીજી તરફ ‘આનંદમઠ’ માતૃભૂમિ માટેના સમર્પણ અને રાષ્ટ્રજાગૃતિની ભાવનાને અભિવ્યક્ત કરે છે. આ બંને ઐતિહાસિક પ્રતીકો વચ્ચે રાષ્ટ્રપ્રેમનો એક મજબૂત સેતુ જોવા મળે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય ઉપસ્થિતિમાં યોજાનારી આ પ્રસ્તુતિ સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણના વિચારોને સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે જોડશે. એકતાનગર આજે માત્ર વિશ્વપ્રસિદ્ધ સ્મારકનું સ્થળ નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરતું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર પણ બન્યું છે.
ઇતિહાસ, સાહિત્ય અને રાષ્ટ્રભાવનાનો ત્રિવેણી સંગમ
આનંદમઠનું મંચન ભારતીય સાહિત્યના અમૂલ્ય વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાની તક છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કલમમાંથી પ્રગટેલી રાષ્ટ્રભાવના, ‘વંદે માતરમ્’ના શબ્દોમાં રહેલી માતૃભૂમિ પ્રત્યેની વંદનાની લાગણી અને સરદાર પટેલના જીવનમાંથી મળતી રાષ્ટ્રીય એકતાની પ્રેરણા આ તમામ તત્ત્વો એકતાનગરની આ પ્રસ્તુતિને વિશેષ અર્થસભર બનાવે છે. લગભગ ૩૦૦ કલાકારોની સામૂહિક રજૂઆત, વિશાળ રંગમંચ અને ૯૦ મિનિટની નાટ્યયાત્રા દ્વારા ‘આનંદમઠ’ની કથા પ્રેક્ષકો સમક્ષ જીવંત બનશે. આ પ્રસ્તુતિ માત્ર ભૂતકાળની ગાથાનું પુનઃસ્મરણ નહીં, પરંતુ વર્તમાન અને ભાવિ પેઢીને રાષ્ટ્રના ગૌરવશાળી વારસા સાથે જોડવાનો પ્રયાસ પણ છે.
સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીના માહોલમાં ‘આનંદમઠ’નું આ ભવ્ય મંચન રાષ્ટ્રપ્રેમ, સાંસ્કૃતિક વારસો અને એકતાના સંદેશને એકસાથે ઉજાગર કરશે. ‘વંદે માતરમ્’ની પ્રેરણાથી લઈને સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્ન સુધીની આ ભાવનાત્મક યાત્રા એકતાનગરમાં ઇતિહાસ, સાહિત્ય અને રાષ્ટ્રીય ગૌરવનો યાદગાર સંગમ સર્જશે
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
