તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારના અમલના પ્રથમ જ દિવસે સુરતના ઝવેરીઓએ બ્રિટન માટે ઘરેણાંની પ્રથમ નિકાસ રવાના કરી
હવે ભારતીય ઘરેણાંને યુકેના બજારમાં શૂન્ય આયાત શુલ્ક સાથે પ્રવેશ મળશે: ગૌરવ જ્વેલર્સ, રોય ડાયમંડ્સ, શીશ જ્વેલ્સ અને પાર્વતી જ્વેલ્સ એલએલપીમાં બ્રિટનના વિવિધ શહેરો માટે પ્રથમ નિકાસ મોકલી

સુરત : ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારના પ્રથમ જ દિવસે સુરતના ચાર ઝવેરીઓએ બ્રિટન માટે ઘરેણાંની પ્રથમ નિકાસ રવાના કરી હતી. આ કરાર હેઠળ હવે ભારતીય ઘરેણાંને યુકેના બજારમાં શૂન્ય આયાત શુલ્ક સાથે પ્રવેશ મળશે, જેના કારણે સુરત સહિત દેશના ઝવેરી ઉદ્યોગને વૈશ્વિક બજારમાં મોટી સ્પર્ધાત્મકતા મળશે.
બુધવારે સુરત ડાયમંડ બોર્સ ખાતે આવેલા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની (GJEPC) કચેરીથી ગૌરવ જ્વેલર્સ, રોય ડાયમંડ્સ, શીશ જ્વેલ્સ અને પાર્વતી જ્વેલ્સ એલએલપીમાં બ્રિટનના વિવિધ શહેરો માટે પ્રથમ નિકાસ મોકલી હતી. આ પ્રથમ જથ્થો કુલ 10 મિલિયન ડોલરનો (આશરે રૂપિયા 86 કરોડ) હતો, જેમાં સોના અને હીરાજડિત, ચાંદીના અને પ્લેટિનમના ઘરેણાં સામેલ હતા.
CETA અમલમાં આવતાં યુકેમાં ઘરેણાં પર લાગતું મહત્તમ 4 ટકા આયાત શુલ્ક દૂર થઈ ગયું છે. GJEPCના જણાવ્યા અનુસાર યુકેનું જ્વેલરી આયાત બજાર અંદાજે 4 અબજ ડોલર (આશરે રૂપિયા 34,400 કરોડ)નું છે, જેમાં હવે ભારતીય નિકાસકારોને સીધો ફાયદો મળશે.
DGCI&Sના આંકડા મુજબ ભારતમાંથી યુકેમાં પોલિશ્ડ નેચરલ ડાયમંડ (Polished Natural Diamond)ની નિકાસ 2023માં 44.51 મિલિયન ડોલર (આશરે રૂપિયા 383 કરોડ), 2024માં 170.19 મિલિયન ડોલર (આશરે રૂપિયા 1,464 કરોડ) અને 2025માં 151.19 મિલિયન ડોલર (આશરે રૂપિયા 1,300 કરોડ) રહી હતી. પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમંડ (Polished Lab-Grown Diamond)ની નિકાસ 2023માં 6.26 મિલિયન ડોલર (આશરે રૂપિયા 54 કરોડ), 2024માં 26.06 મિલિયન ડોલર (આશરે રૂપિયા 224 કરોડ) અને 2025માં 27.58 મિલિયન ડોલર (આશરે રૂપિયા 237 કરોડ) થઈ હતી.
સોનાના ઘરેણાંની નિકાસ 2023માં 70.81 મિલિયન ડોલર (આશરે રૂપિયા 609 કરોડ), 2024માં 328.44 મિલિયન ડોલર (આશરે રૂપિયા 2,824 કરોડ) અને 2025માં 394.14 મિલિયન ડોલર (આશરે રૂપિયા 3,390 કરોડ) નોંધાઈ હતી. ભારતની કુલ જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 2023માં 164.77 મિલિયન ડોલર (આશરે રૂપિયા 1,417 કરોડ), 2024માં 941 મિલિયન ડોલર (આશરે રૂપિયા 8,093 કરોડ) અને 2025માં 754.11 મિલિયન ડોલર (આશરે રૂપિયા 6,485 કરોડ) રહી હતી.
GJEPCના ચેરમેન કિરીટ ભણશાલીએ જણાવ્યું કે આગામી ત્રણ વર્ષમાં યુકેમાં ભારતની જેમ્સ અને જ્વેલરી નિકાસ 754.11 મિલિયન ડોલરથી વધીને લગભગ 2.5 અબજ ડોલર (આશરે રૂપિયા 21,500 કરોડ) સુધી પહોંચી શકે છે. તેનાથી નિકાસકારો, ઉત્પાદકો, MSME, કારીગરો અને ડિઝાઇનર્સને નવી તકો મળશે.
ગૌરવ જ્વેલ્સના ગૌરવ લિંબાણીએ જણાવ્યું કે તેમણે લંડનમાં જયંત રણિંગાની કંપનીને લગભગ 39,000 ડોલરના (આશરે રૂપિયા 33.5 લાખ) સોના અને લેબ ગ્રોન ડાયમંડ જડિત ઘરેણાં મોકલ્યા છે. હવે લંડનના ખરીદદારો વધુ ઓર્ડર આપશે અને શરૂઆતમાં વ્યવસાય બમણો તથા આગામી વર્ષોમાં ચાર ગણો થવાની આશા છે.
પાર્વતી જ્વેલ્સના રાહુલભાઈ ખેનીએ જણાવ્યું કે તેમણે સેન્ટ્રલ લંડનના હેટન ગાર્ડનમાં આવેલી કંપનીને લગભગ 9,500 પાઉન્ડ (આશરે રૂપિયા 11 લાખ)ના પ્લેટિનમ અને નેચરલ ડાયમંડ જડિત સોનાના ઘરેણાં મોકલ્યા છે. રોય ડાયમંડના આકાશ રોયે બર્મિંગહામમાં આવેલી કંપનીને લગભગ 3,000 ડોલર (આશરે રૂપિયા 2.6 લાખ)ના લેબ ગ્રોન ડાયમંડ જડિત સોનાના ઘરેણાંની નિકાસ કરી છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજિયનના ચેરમેન જયંતીભાઈ એન. સાવલિયાએ જણાવ્યું કે સુરત વિશ્વની ડાયમંડ રાજધાની તરીકે પહેલેથી ઓળખાય છે અને સીટા (CETA) બાદ ભારતની જ્વેલરી નિકાસ વધારવામાં સુરતની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
