તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
"નમો સ્વચ્છતા અભિયાન"ના પ્રથમ દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૧.૩૬ લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ
અંદાજે ૪,૬૭૪ જેટલી વિવિધ વસ્તુઓ જેવી કે, ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહન અને તબીબી ઉપકરણોનું સમારકામ કરવામાં આવ્યું

ગાંધીનગર :રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS, ઓડિટોરિયમ ખાતેથી "નમો સ્વચ્છતા અભિયાન"નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાન તા. ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં વેગવંતું ચલાવવામાં આવશે.
આ મહાઅભિયાન અંતર્ગત આજે રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ ૧૨,૦૦૦ થી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ અભિયાનના પ્રથમ દિવસે જ અંદાજે ૪,૬૭૪ જેટલી વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડના ફર્નિચર - ખુરશી, ટેબલ, બારી, બારણા, કબાટ, લોકર, પલંગ વગેરે, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓમાંથી કુલ ૧,૩૬,૦૦૦ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ છે. જેમાં મુખ્યત્વે ભંગાર ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ/વાહનો, આઈ.ટી. અને તબીબી ઉપકરણો તેમજ તમામ લીનન વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓનો નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ/ભંગાર/જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરાઈ છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
