<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ નિમિત્તે ભાજપા દ્વારા ૨ ઓક્ટોબર સુધી રાજ્યભરમાં યોજાશે વિવિધ જાહેરસેવાના કાર્યક્રમો : 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'સેવા મારું યોગદાન' કાર્યક્રમની ઘોષણા

વૃક્ષારોપણ, સ્વચ્છતા, આરોગ્ય શિબિર અને સૈનિકોના સન્માન સહિતના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગના ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ અન્વયે ભાજપા સંગઠન દ્વારા આગામી ૨ ઑક્ટોબર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓ તથા મહાનગરોમાં વિવિધ જાહેરસેવાના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા યોજાનારા આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સંગઠનના ઉચ્ચ આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સક્રિયપણે ભાગ લેશે.

આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ‘એક પેડ મા કે નામ’ યોજના અંતર્ગત વ્યાપક વૃક્ષારોપણ, ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત સફાઈ અભિયાન, આરોગ્ય તપાસ શિબિરો, આંખના નિદાન કેમ્પો, દેશના સશસ્ત્ર દળોના સૈનિકો તથા તેમના પરિવારોના સન્માન સમારોહ, પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ અભિયાન, આદિવાસી છાત્રાલયોમાં સેવા પ્રવૃત્તિઓ તેમજ દિવ્યાંગજનોને મદદરૂપ થવા માટેની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

૨ ઑક્ટોબર સુધી ચાલનારા આ તમામ જનહિતલક્ષી કાર્યક્રમોમાં સમાજના વિવિધ વર્ગો અને સંગઠનના કાર્યકર્તાઓની સીધી ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે. આ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા 'સેવા પરમો ધર્મઃ'ની ભાવનાને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાનો ભાજપા દ્વારા દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

(6:49 PM IST)