હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપા દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી એક મહિના સુધી રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાશે : પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે લેવાયો મોટો નિર્ણય
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ૨૫ વર્ષની અવિરત સેવાયાત્રાને જન-આંદોલન બનાવવાની જાહેરાત કરાઈ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને વધાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવામી ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી સમગ્ર ગુજરાતમાં એક મહિના માટે ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે યોજાયેલી અખબારી પરિષદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ મહત્ત્વપૂર્ણ અભિયાનની વિગતો જાહેર કરવામાં આવી હતી.
અખબારી પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાંથી ગુજરાતને બેઠું કરીને ‘ગ્રોથ એન્જિન’ બનાવવાની તેમની યાત્રા અતુલનીય રહી છે. વડાપ્રધાન તરીકે તેમણે ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’, જ્યોતિગ્રામ યોજના, કન્યા કેળવણી, જળસંચય અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા છેવાડાના માનવી સુધી સુશાસન પહોંચાડ્યું છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીની આ ૨૫ વર્ષની યાત્રા એક કાર્યકર્તાથી પ્રધાન સેવક સુધીની સંકલ્પથી સિદ્ધિની સાધના છે. એક સમયે ‘ફ્રેજાઈલ ફાઈવ’ ગણાતું ભારત આજે વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બન્યું છે. વિશ્વના ૩૬ દેશોએ નરેન્દ્ર મોદીને આપેલું સર્વોચ્ચ સન્માન એ ૧૪૦ કરોડ ભારતીયોનું ગૌરવ છે.
આ એક માસના 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી અને સામાજિક કાર્યક્રમો યોજાશે:
*૧૭ સપ્ટેમ્બર ('સેવા દિવસ'): અભિયાનનો પ્રારંભ રક્તદાન શિબિરોથી થશે. સાંજે ૭ વાગ્યે દરેક બૂથ પર ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરીને લાભાર્થીઓ અને પરિવારો દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરાશે.
*શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો: શાળાઓમાં ‘મારા સપનાનું ભારત’ વિષય પર ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાઓ યોજાશે. ૨૫ વર્ષની સેવાયાત્રા પર આધારિત ‘નમો સેવા ગાથા—અનકહી કહાનિયા’ નાટ્ય પ્રસ્તુતિ ગામડે-ગામડે પહોંચાડવામાં આવશે.
*મહિલા અને બાળકો માટે: ‘આંગણા નો ઉત્સવ’ અંતર્ગત આંગણવાડી કાર્યકરો અને આશા બહેનોનું સન્માન કરાશે તેમજ પોષણ અને આરોગ્ય યોજનાઓની માહિતી અપાશે.
*૭ ઓક્ટોબર ('સેવા જ્યોતિ કળશ યાત્રા'): આ દિવસે વિકસિત ભારત ૨૦૪૭નો સંકલ્પ લેવાશે. સાથે જ વડનગરના હાટકેશ્વર મહાદેવથી વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવ સુધી ૧૦-૧૦ ટુકડીઓ દ્વારા ‘સેવા યાત્રા’ યોજીને જળાભિષેક કરાશે.
*૨ ઓક્ટોબર અને અન્ય પહેલ: ૨ ઓક્ટોબરે દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન, ‘સેવા સેતુ અભિયાન’ દ્વારા સરકારી યોજનાઓનો સીધો લાભ, ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ અંતર્ગત માનવ સમૂહ રંગોળી તથા યુવાનો-સ્ટાર્ટઅપ્સ માટે ‘સેવા ફર્સ્ટ ઈનોવેશન ચેલેન્જ’નું આયોજન કરવામાં આવશે.
આ પત્રકાર પરિષદમાં ભાજપા પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
