News of Wednesday, 25th November 2026
નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પત્રકાર સ્નેહમિલન સમારોહ
વિધાનસભા અધ્યક્ષ – રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ – પ્રદેશ અધ્યક્ષ સહભાગી થયા: વિકસિત ભારત અને નશામુક્ત ભારતનો સંકલ્પ સૌના સહિયારા પ્રયાસોથી સાકાર કરીએ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ :રાજ્ય અને જનહિતમાં સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું અને સરકારની ભૂલો પ્રત્યે ધ્યાન દોરવાનું અત્યંત જવાબદારીભર્યું માધ્યમ પત્રકારો બન્યા છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નૂતનવર્ષ નિમિત્તે પત્રકાર સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીએ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત અને નશામુક્ત ભારતના સંકલ્પને મિડિયા જગત અને સરકારના સંકલનથી સાકાર કરવાનું પ્રેરક આહ્વાન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર માટે પત્રકારો ક્યારેય અલગ ન હોઈ શકે. સરકાર માટે ટીકા એ ટોનિક સમાન છે. સરકાર અને પત્રકારો વચ્ચે પરસ્પર સંવાદ, સહકાર અને રચનાત્મક અભિગમ લોકશાહીને વધુ મજબૂત બનાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2047 સુધીમાં વિકસિત ભારતનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને નશામુક્ત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીએ. વિકસિત ભારતના નિર્માણમાં અહીં ઉપસ્થિત સૌની બેવડી જવાબદારી છે. એક તરફ પોતે કાર્ય કરવાની અને બીજી તરફ સમાજના અન્ય નાગરિકોને પણ આ દિશામાં કાર્ય કરવા માટે પ્રેરિત કરવાની જવાબદારી છે તેનો પણ તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટેનો રોડમેપ સરકાર પાસે તૈયાર છે. સૌના રચનાત્મક સૂચનો અને સહભાગિતાથી વિકાસયાત્રાને વધુ વ્યાપક અને પરિણામલક્ષી બનાવી શકાય તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીમંડળના સભ્યઓ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની વિકાસયાત્રામાં મીડિયાના મહત્વપૂર્ણ યોગદાનની સરાહના કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને પત્રકારો 'ટીમ ગુજરાત' તરીકે સાથે મળીને રાજ્યને વધુ મજબૂત બનાવવા કાર્યરત છે. પત્રકારો માત્ર ટીઆરપી માટે નહીં, પરંતુ ગુજરાત અને તેના નાગરિકોના હિતમાં સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું અને સરકારની ભૂલો પ્રત્યે ધ્યાન દોરવાનું અત્યંત જવાબદારીભર્યું માધ્યમ બન્યા છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી કે સરકારની કોઈ ક્ષતિ જણાય તો જરૂરથી ધ્યાન દોરવું પરંતુ રાજ્ય કે નાગરિકોના હિતને નુકસાન ન થાય તે રીતે સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ.
આ પ્રસંગે વરિષ્ઠ તંત્રીઓ, ચેનલ હેડ્સ અને મિડિયા કર્મીઓ ઉપરાંત મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર અને માહિતી નિયામક જી. ટી. પંડ્યા સહિત વરિષ્ઠ અધિકારીઓ, સંગઠન પદાધિકારી અને વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
