<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

સરદાર પટેલની 151મી જન્મજયંતિના અવસરે આદિવાસી મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી મોડલ બનતું એકતાનગર : 'પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ'થી છ ગામની 85 આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર

પ્રવાસન સાથે મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન, પીપીપી મોડલ હેઠળ તાલીમ : લાયસન્સ અને ઈ-ઓટોની સુવિધાથી સ્વરોજગારીને મળી નવી દિશા : નારી શક્તિથી રાષ્ટ્ર શક્તિનો સંકલ્પ સાકાર

રાજપીપળા તા.૨૭ : સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં પ્રવાસન વિકાસની સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળી રહ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવાની સાથે સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવાના અભિગમ હેઠળ શરૂ કરવામાં આવેલો 'પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ' આદિવાસી મહિલાઓ માટે આત્મનિર્ભરતાની નવી રાહ બની રહ્યો છે.

આ પહેલ હેઠળ એકતાનગરની આસપાસનાં છ ગામની કુલ 85 મહિલાઓને ઈ-ઓટો ચલાવવાની તક મળી છે, જેના માધ્યમથી તેઓ રોજગારી મેળવી આર્થિક રીતે સ્વાવલંબી બનવાની દિશામાં આગળ વધી રહી છે.

પીપીપી મોડલ હેઠળ વિશેષ તાલીમ અને લાયસન્સ સહાય

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન ક્ષેત્રે સ્થાનિક મહિલાઓની ભાગીદારી વધારવાની સાથે તેમને રોજગારીની નવી તકો પૂરી પાડવાનો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંચાલન દ્વારા પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે હાથ ધરવામાં આવેલી આ પહેલમાં મહિલાઓને ઈ-ઓટો ચલાવવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. સાથે જ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. તાલીમ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાઓને વિશેષ 'પિંક ઈ-ઓટો' ફાળવવામાં આવી છે, જે એકતાનગર અને આસપાસના પ્રવાસન વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર માટે ઉપયોગી બની રહી છે.

સામાન્ય રીતે પરિવારમાં આર્થિક જવાબદારી નિભાવવાની સાથે ઘરકામ અને અન્ય સામાજિક જવાબદારીઓ સંભાળતી મહિલાઓ માટે સ્વતંત્ર આવકનું સાધન ઊભું થવું એ સશક્તિકરણની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ દ્વારા આદિવાસી મહિલાઓને પોતાની આવડત અને મહેનતના આધારે રોજગારી મેળવવાની તક મળી છે.

પ્રવાસન, રોજગારી અને પર્યાવરણનો ત્રિવેણી સંગમ

એકતાનગર આજે માત્ર પ્રવાસનનું આકર્ષણ નથી, પરંતુ સ્થાનિક સમુદાયને વિકાસની મુખ્યધારા સાથે જોડવાનું પણ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં વિવિધ પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશના પ્રવાસીઓની વધતી અવરજવરને પગલે પરિવહનની માગમાં વધારો થયો છે. સ્થાનિક મહિલાઓને ઈ-ઓટો સંચાલન સાથે જોડવાથી પ્રવાસન ક્ષેત્રમાં તેમની ભાગીદારી વધે છે અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન મળે છે.

આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તે મહિલા સશક્તિકરણની સાથે પર્યાવરણ સંરક્ષણના હેતુને પણ વેગ આપે છે. ઈ-ઓટો પરંપરાગત ઇંધણથી ચાલતાં વાહનોની સરખામણીએ વધુ ઇકો ફ્રેન્ડલી વિકલ્પ પૂરો પાડે છે. પ્રવાસન સ્થળોએ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવાથી પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસોને પ્રોત્સાહન મળે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહિલા સશક્તિકરણ, સ્થાનિક રોજગારીના સર્જન અને વિકાસમાં જનભાગીદારીના અભિગમ સાથે સુસંગત આ પહેલ 'નારી શક્તિથી રાષ્ટ્ર શક્તિ'ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

એક નજરે પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ

6 ગામ: પ્રોજેક્ટમાં જોડાયેલાં ગામોની સંખ્યા

85 મહિલાઓ:ઈ-ઓટો સંચાલન દ્વારા રોજગારીની તક મેળવનારી મહિલાઓ

પીપીપી મોડલ: સ્ટેચ્યુ ઓફ યુનિટી સંચાલન દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી

વિશેષ તાલીમ:ઈ-ઓટો ચલાવવા માટે મહિલાઓને તાલીમ

લાઇસન્સ સહાય: ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે સહયોગ

ઈકો ફ્રેન્ડલી પરિવહન: ઈલેક્ટ્રિક ઓટો દ્વારા પ્રવાસીઓની અવરજવરને પ્રોત્સાહન

મુખ્ય ઉદ્દેશ:મહિલા સશક્તિકરણ, સ્થાનિક રોજગારી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન

(4:00 PM IST)