<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

"નમો સ્વચ્છતા અભિયાન"ના બીજા દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૬૦ હજારથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ: ૧૭ હજારથી વધુ વસ્તુઓનો નિકાલ

અંદાજે ૧,૭૯૬ જેટલી વિવિધ વસ્તુઓ જેવી કે, ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહન અને તબીબી ઉપકરણોનું સમારકામ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ "નમો સ્વચ્છતા અભિયાન" અંતર્ગત રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બીજા દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૬૦,૮૮૩ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આ વસ્તુઓ પૈકી ૧૭ હજારથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે ૬૭ જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. જ્યારે બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓની નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  
આ અભિયાનના બીજા દિવસે અંદાજે ૧,૭૯૬ જેટલી વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડના ફર્નિચર - ખુરશી, ટેબલ, બારી, બારણા, કબાટ, લોકર, પલંગ વગેરે, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ/ભંગાર/જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરાઈ છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ

પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS, ઓડિટોરિયમ ખાતેથી "નમો સ્વચ્છતા અભિયાન"નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાન તા. ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં વેગવંતું ચલાવવામાં આવશે.

(9:00 PM IST)