<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

‘બેબેસિયા'થી વધુ ૧ સિંહ બાળનું મોતઃ રર સિંહો આઇસોલેશનમાં

શંકાસ્‍પદ ચેપથી અત્‍યાર સુધીમાં સિંહબાળ સહિત ૯ ના મોતઃ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉચ્‍ચ સ્‍તરીય બેઠકઃ વનવિભાગે યુદ્ધના ધોરણે ઈતરડી નાબૂદીની કામગીરી શરૂ કરી, સિંહોની સઘન સારવાર ચાલુ

જુનાગઢ- તાલાલા તા.૩૦: ‘‘બેબેસિયા'' રોગે માઝા મુકી છે ત્‍યારે જસાધાર રેન્‍જમાં વધુ ૧ સિંહબાળનું સારવારમાં મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. અત્‍યાર સુધીમાં સિંહ બાળ સહિત ૯ ના મોત થતા હાહાકાર મચી ગયો છે.

એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ ગીરના જંગલમાં બેબેશિયા વાયરસના શંકાસ્‍પદ ચેપને કારણે સિંહબાળના મોતનો સિલસિલો યથાવત છે. ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના રાજસ્‍વ વિસ્‍તારોમાં લોહી ચૂસતી ઈતરડીથી ફેલાતા બાબેશિયા વાયરસના શંકાસ્‍પદ ચેપને કારણે અત્‍યાર સુધીમાં ૯ સિંહબાળના કરૂણ મોત નીપજ્‍યા છે.

આ ગંભીર પરિસ્‍થિતિને પગલે રાજ્‍ય સરકાર હરકતમાં આવી છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે વન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ સાથે તાત્‍કાલિક ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજી હતી.

બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ વનવિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ૨૨ સિંહોને આઈસોલેશનમાં રાખીને તાત્‍કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. તમામ સિંહોના રક્‍તના નમૂના લઈ તપાસ માટે મોકલી દેવાયા છે.

સિંહોના મોતનું મુખ્‍ય કારણ બનતી ઈતરડીને નાબૂદ કરવા માટે સમગ્ર ગીર વિસ્‍તારમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. વનવિભાગની ટીમો દ્વારા જંગલ વિસ્‍તાર અને આસપાસના રાજસ્‍વ વિસ્‍તારોમાં દવાનો છંટકાવ અને ઈતરડી નિયંત્રણની કામગીરી સઘન બનાવાઈ છે.

વન વિભાગે સિંહોની હિલચાલ પર પણ સતત નજર રાખવાનું શરૂ કર્યું છે અને સ્‍થાનિકોને પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

(1:17 PM IST)