તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
ધોરણ-10 ની પૂરક પરીક્ષા-2026 માટે ઓનલાઇન આવેદન કરવાની મુદત લંબાવાઈ :હવે 18મીની સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકશે
આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ-૧૦ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા અને સંસ્કૃત પ્રથમા ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬માં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષય/વિષયોમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે તેથી વધુ વિષય/વિષયોમાં અનુત્તિર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (NEEDS IMPROVEMENT) "સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ વર્ષ-૨૦૨૬ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે તથા ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬માં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે પરંતુ પોતાના પરિણામને સુધારવા ઇચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પૂરક-૨૦૨૬માં ઉપસ્થિત થઇ શકશે.
પૂરક પરીક્ષા ૨૦૨૬ માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ONLINE કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી.
પરીક્ષા માટેનું ઓનલાઇન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ:-૧૫/૦૫/૨૦૨૬ હતી જે વધુ ત્રણ (૦૩) દિવસ માટે લંબાવીને તારીખ:-૧૮/૦૫/૨૦૨૬ (સાંજના ૧૭:૦૦ કલાક) સુધી કરવામાં આવે છે.
- જે વિદ્યાર્થી ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ પરીક્ષામાં એક કે તેથી વધુ વિષયમાં અનુત્તીર્ણ/ગેરહાજર છે અને તે વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત (૧૨)નો સમાવેશ થયેલો છે તેવા ઉમેદવારો ઓનલાઇન આવેદન ભરવાની પ્રક્રિયા દરમ્યાન ગણિત વિષયની પસંદગી બદલી શકે છે એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતમાં અનુત્તીર્ણ થયેલ ઉમેદવાર સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેઝિક ગણિત વિકલ્પ બદલી શકશે.
- જે વિદ્યાર્થી ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ ની પરીક્ષા બેઝિક ગણિત (૧૮) સાથે ઉત્તીર્ણ થયા છે તેવા વિદ્યાર્થી જે શાળામાંથી ધો-૧૦ની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ની પરીક્ષાનું આવેદનપત્ર ભરેલ હોય તે જ શાળામાંથી સ્ટાન્ડર્ડ ગણિત (૧૨) વિષય માટે પૃથક (ISOLATED) ઉમેદવાર તરીકે ઓનલાઇન આવેદન કરી શકશે.
- કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા-૨૦૨૬ માટે ઓનલાઇન આવેદન (રજીસ્ટ્રેશન) કરવું ફરજીયાત છે.
- ઓનલાઇન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સુચનાઓ ઉપરોકત વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
