<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ઓનલાઇન ગેમ રમનારા સાવધાન : હવે કયો ગેમ રમો છો એથી વધુ મહત્વનું એ કેવી રીતે રમો છો: નવા નિયમ લાગુ

મોબાઇલ, લેપટોપ અથવા કોઈપણ ડિજિટલ ડિવાઇસ પર ઇન્ટરનેટ દ્વારા રમાતી લગભગ દરેક ગેમ હવે કાયદાની જાળમાં

અમદાવાદ :આજના સમયમાં ઓનલાઈન ગેમિંગ માત્ર મનોરંજન પૂરતું નથી રહ્યું. હવે જો તમે ગેમમાં પૈસા લગાવીને રમો છો, તો તે સીધું જ તમારા ખિસ્સા અને કાયદા બંનેને અસર કરી શકે છે. 1 મે થી લાગુ થયેલા નવા નિયમો બાદ સરકારે ઓનલાઈન ગેમિંગને લઈ કડક વલણ અપનાવ્યું છે. હવે તમે કયો ગેમ રમો છો એથી વધુ મહત્વનું છે કે તમે કેવી રીતે રમો છો.

 

નવા નિયમો મુજબ, મોબાઇલ, લેપટોપ અથવા કોઈપણ ડિજિટલ ડિવાઇસ પર ઇન્ટરનેટ દ્વારા રમાતી લગભગ દરેક ગેમ હવે કાયદાની જાળમાં આવી ગઈ છે. ફેન્ટસી સ્પોર્ટ્સ હોય, ક્વિઝ એપ હોય કે મલ્ટીપ્લેયર ગેમ — બધું આ વ્યાખ્યામાં આવે છે. પરંતુ અહીંથી શરૂ થાય છે અસલી ખેલ, કારણ કે ગેમને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે, અને આ કેટેગરી જ નક્કી કરે છે કે ગેમ તમારા માટે સુરક્ષિત છે કે જોખમી.

 

સૌથી વધુ જોખમ “ઓનલાઇન મની ગેમ”માં છે. જો તમે કોઈ ગેમમાં પૈસા લગાવો છો અને બદલામાં ઇનામ અથવા કમાણીની આશા રાખો છો, તો એ ગેમ સીધી આ કેટેગરીમાં આવે છે. અહીં માત્ર કેશ જ નહીં, પણ કૉઇન, ટોકન અથવા વર્ચ્યુઅલ કરન્સી પણ ગણવામાં આવે છે. આવી ગેમ પર હવે 30% સુધીનો ટેક્સ લાગુ પડે છે. સૌથી મહત્વની વાત એ છે કે જો તમને નુકસાન થાય તો તેની કોઈ સેટ-ઓફ છૂટ નથી. જો આવક છુપાવશો અને પકડાઈ જશો, તો દંડ પણ ભારે લાગી શકે છે — જે કમાણી કરતા વધુ થઈ શકે છે.

 

બીજી તરફ “ઈ-સ્પોર્ટ્સ” છે, જેને સ્કિલ આધારિત ગેમ માનવામાં આવે છે. અહીં જીત તમારું ટેલેન્ટ નક્કી કરે છે, નસીબ નહીં. છતાં અહીં પણ ટેક્સમાંથી રાહત નથી. ઓનલાઈન ટૂર્નામેન્ટમાંથી મળતી કમાણી પર 30% ટેક્સ અને TDS લાગુ થાય છે. જો કોઈ પ્રોફેશનલ ગેમર છે, તો તેની સ્પોન્સરશિપ અને સ્ટ્રીમિંગ ઇન્કમને બિઝનેસ ઇન્કમ તરીકે ગણવામાં આવે છે.

 

સૌથી સુરક્ષિત વિકલ્પ છે “ઓનલાઇન સોશિયલ ગેમ”. જેમાં તમે માત્ર મજા માટે રમો છો, પૈસા લગાવતા નથી અને કોઈ ઇનામની અપેક્ષા પણ નથી રાખતા. જેમ કે પઝલ, ક્વિઝ અથવા ઈ-લુડો જેવી ગેમ્સ. અહીં કોઈ આવક નથી, એટલે ટેક્સનો પ્રશ્ન પણ નથી. આ કેટેગરી સંપૂર્ણ રીતે સુરક્ષિત માનવામાં આવે છે.

 

નવા નિયમોમાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ગેમ સ્કિલ આધારિત છે કે નસીબ આધારિત — એ મહત્વનું નથી. સાચો ફરક એ છે કે તમે તેમાં પૈસા લગાવો છો કે નહીં. જો પૈસા જોડાયા, તો જોખમ અને ટેક્સ બંને જોડાઈ જશે.

 

તેથી હવે ગેમ રમતા પહેલા એક વાર જરૂર વિચારો — તમે માત્ર મજા માટે રમી રહ્યા છો કે કમાણી માટે જોખમ લઈ રહ્યા છો? કારણ કે આજકાલ ગેમ નહીં, પણ તમારી પસંદગી જ તમારું ભવિષ્ય નક્કી કરે છે.

(1:31 PM IST)